નિકાસકારોને મોટી રાહત IGST રીફંડ વ્યાજ સાથે ચુકવવા હાઈકોર્ટનો આદેશ
સરકારના નોટીફીકેશન અને શીપીંગ બીલમાં ભૂલથી ડયુટી ડ્રો બેકનાં લાભો રોકી ન શકયા: સરકાર સામેનાં એક કેસમાં વડી અદાલતનો આદેશ: હવે કાનુની નવા કેસોનો ઢગલો થવાનો નિર્દેશ

જીએસટી કાયદાના અમલ વખતનાં 6 વર્ષ જુના રાજકોટના એક નિકાસકારનાં કેસમાં કાનુની જીત થઈ છે ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રનાં 20 થી વધુ નિકાસકારોની 17 કરોડ જેવી રકમ અટવાયેલી છે તેના કાનુની જંગ શરૂ થવાના સંકેત છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અને જયસન એકસપોર્ટ નામે નિકાસકાર પેઢી ધરાવતાં પાર્થ ગણાત્રાએ આઈજીએસટી રીફંડ મામલે અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. કેન્દ્ર સરકારે ડયુટી ડ્રો બેક સંબંધી એ અને બી કેટેગરીમાં ફેરફાર કર્યા હતા. બી કેટેગરીમાં વધારાના સરકારી લાભો મળતાં હોવાથી ડયુટી ડ્રો બેક રીફંડ નહિં આપવાનું સરકારે નોટીફીકેશન બહાર પાડયુ હતું.
કેટલાંક શિપીંગકારોએ શીપીંગ બીલમાં ‘બી’કેટેગરી લખી હતી છતાં તેમની પ્રોડકટ વધારાનાં લાભને પાત્ર ન હોવાથી લાભો મળ્યા ન હતા. શીપીંગ બીલમાં ‘બી’કેટેગરીનો ઉલ્લેખ હોવાથી આઈજીએસટી રીફંડ પણ નકારાયા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રનાં 20 થી વધુ નિકાસકારોના 17 કરોડથી અધિકના રીફંડ અટવાયા હતા.
આ મામલે પાર્થ ગણાત્રાએ હાઈકોર્ટમાં પડકાર ફેંકયો હતો. વહિવટી ભૂલને કારણે રીફંડ અટકાવી ન શકાય તેવી માંગ કરી હતી. લાંબા કાનુની જંગ બાદ હાઈકોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપીને 9 ટકા વ્યાજ સાથે રીફંડ ચુકવવા આદેશ કર્યો છે. હવે અન્ય નિકાસકારો પણ પોતપોતાના કેસોમાં રીફંડ મામલે કાનુની પડકાર ફેંકવાની તૈયારી કરવા લાગ્યા છે.
પાર્થ ગણાત્રાએ કહ્યું કે આ ચુકાદાથી સમગ્ર નિકાસકાર વર્ગને મોટી રાહત થાય તેમ છે. આવા અનેક કેસો હોવાની શકયતા છે. સરકારે 9-10-2018 માં નોટીફીકેશન ઈસ્યુ કર્યુ ત્યારથી જ તે રદ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગણી કરવામાં આવતી રહી હતી પરંતુ સરકારે ફેર વિચારણા કરી ન હતી.