મહારાષ્ટ્રના થાણેમાં એક મોટી દુર્ઘટના ઘટી છે , નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું, આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે
બ્રિજ તૈયાર કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ગર્ડર મશીન 100 ફૂટની ઊંચાઈએથી પડી ગયું હતું.

મળતી માહિતી મુજબ હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. સ્થળ પર સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એસપી અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એસપીના જણાવ્યા અનુસાર, સમૃદ્ધિ હાઈવે પર લોન્ચર પડવાને કારણે કામદારો અને અન્ય લોકો ઘાયલ થયા છે. ત્રણ ઘાયલોને શાહપુર તાલુકાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યારે એક મોટી દુર્ઘટના બની હતી. કહેવાય છે કે સુરક્ષાના કોઈ પગલાં ન હોવાને કારણે અહીંના મજૂરોએ જીવ ગુમાવ્યો છે. ગર્ડર મશીનને જોડતી ક્રેન અને સ્લેબ 100 ફૂટ નીચે પડી ગયા હતા. શાહપુર ઉપજીલા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 15 મૃતદેહો લાવવામાં આવ્યા છે. 3 થી 4 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત મંગળવારે વહેલી સવારે શાહપુર તહસીલના સરલામ્બે ગામ પાસે થયો હતો. સ્થાનિક એજન્સીઓ સાથે પોલીસ અને ફાયર કર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે.
આ મશીન સ્પેશિયલ પર્પઝની મોબાઈલ ગેન્ટ્રી ક્રેન છે, જેનો ઉપયોગ પુલના બાંધકામમાં થાય છે. તેનો ઉપયોગ હાઇવે અને હાઇ-સ્પીડ રેલ બ્રિજ બાંધકામ પ્રોજેક્ટ્સમાં પ્રિકાસ્ટ બોક્સ ગર્ડર્સ ઇન્સ્ટોલ કરવા માટે થાય છે. સમૃદ્ધિ મહામાર્ગનું નિર્માણ કાર્ય મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું નામ હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ પરથી રાખવામાં આવ્યું છે. તે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસવે છે. તે નાગપુર, વાશિમ, વર્ધા, અહેમદનગર, બુલઢાણા, ઔરંગાબાદ, અમરાવતી, જાલના, નાસિક અને થાણે સહિત 10 જિલ્લાઓમાંથી પસાર થાય છે. નાગપુરથી શિરડીને જોડતા પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2022માં કર્યું હતું. તે 520 કિમીનું અંતર આવરી લે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મે મહિનામાં કહ્યું હતું કે ત્રીજો અને છેલ્લો તબક્કો આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો થઈ જશે.
PMએ સહાયની જાહેરાત કરી
મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં થયેલી દુર્ઘટના મામલે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, દુર્ઘટનાથી દુઃખી છું, જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના, NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાના સ્થળે કામ કરી રહ્યું છે. મૃતકના પરિવારજનોને 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયની પણ જાહેરાત કરી છે