હરિયાણા હિંસાનો પડઘો રાજસ્થાન સુધી પહોંચ્યો, ભરતપુરમાં હાઈ એલર્ટ, ઘણાં વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ
હરિયાણાના નૂહ જિલ્લામાં હિંસા બાદ ફરીદાબાદ અને ગુરુગ્રામમાં તંગદિલી સર્જાઈ છે

હરિયાણાના નૂહ જિલ્લામાં હિંસા બાદ ફરીદાબાદ અને ગુરુગ્રામમાં તંગદિલી સર્જાઈ છે. તેને પગલે હવે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પણ દેખરેખ વધારી દેવામાં આવી છે. રાજસ્થાન સરકાર દ્વારા સાવચેતીના પગલાંરૂપે ભરતપુર જિલ્લાના ચાર તાલુકાઓમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ભરતપુરમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હરિયાણા-ભરતપુર બોર્ડર પર કડક નાકાબંધી કરી દેવામાં આવી છે અને દરેક પોઈન્ટ પર પોલીસ ફરજ પર તૈનાત છે.
પોલીસે ભરતપુર જિલ્લામાં દેખરેખ વધારી
ભરતપુરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મૃદુલ કાચવાએ જણાવ્યું કે જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હરિયાણાની સરહદે આવેલા વિસ્તારોમાં દેખરેખ વધારી દેવામાં આવી છે.
હરિયાણાના નૂહમાં ગઈકાલે હિંસા ફાટી નીકળી હતી
ઉલ્લેખનીય છે કે નૂહ જિલ્લામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન, કેટલાંક તોફાનીઓએ પથ્થરમારો કર્યો અને કારને આગ લગાડ્યા પછી હિંસા ફાટી નીકળી હતી. હિંસા અને આગચંપીમાં બે હોમગાર્ડ સહિત કુલ 4 લોકો માર્યા ગયા અને 12થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હોમગાર્ડ જવાન નીરજનું મોત ગોળી વાગવાથી થયું હતું. હિંસામાં માર્યા ગયેલા બીજા હોમગાર્ડ જવાનની ઓળખ ગુરસેવક તરીકે થઈ હતી. ગુરુગ્રામમાં શાળાઓ, કોલેજો અને કોચિંગ સેન્ટરો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓને મંગળવાર, 1 ઓગસ્ટના રોજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શાંતિની પુનઃસ્થાપના કરવાનો પોલીસનો પ્રયાસ
હરિયાણાના નૂહમાં ગઈકાલે બે જૂથો વચ્ચે થયેલી અથડામણને લઈને નૂહ ડેપ્યુટી કમિશનર કેમ્પ ઓફિસમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ એસપી નરેન્દ્ર બિજારણિયાએ કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ બંને સમિતિઓને બોલાવવામાં આવી છે. અગાઉ બંનેની સાથે અલગ-અલગ બેઠકો કરી હતી અને કોમન ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા બાદ આજે સાંજે કોમન મીટિંગ થશે.