ભારત

જમ્મુ-કાશ્મીર માં આતંકવાદીઓની ઘૂસણખોરીનું મોટું ષડયંત્ર નિષ્ફળ એક આતંકી ઠાર

સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર માર્યો છે, જ્યારે અન્ય એક આતંકી ઘાયલ, શુક્રવારે સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. વાત જાણે એમ છે કે, સુરક્ષા દળોએ ઘૂસણખોરી કરી રહેલા એક આતંકીને ઠાર માર્યો છે, જ્યારે અન્ય એક આતંકી ઘાયલ થયાના સમાચાર છે. આ પહેલા પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે આતંકીઓએ LOC પર ઘૂસણખોરીકરવાનો પ્રયાસ કર્યો હતો. આ તરફ સુરક્ષા દળોને આ અંગેનો સંકેત મળ્યો અને તેમણે ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો. આ ફાયરિંગમાં અન્ય એક ઘુસણખોર ઘાયલ થયો હતો જેની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

શુક્રવારે ભારતીય સેનાના ત્રણ જવાન થયા હતા શહીદ 
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા.  અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓને શોધવા માટે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું, ત્યારબાદ જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. તેઓએ જણાવ્યું કે, ફાયરિંગની આ ઘટનામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેઓના મૃત્યુ થયા છે.

ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ
શ્રીનગર સ્થિત સેનાની ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં જણાવ્યું કે, “કુલગામના હલ્લાનમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ 4 ઓગસ્ટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.” ટ્વીટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આતંકવાદીઓ તરફથી કરાયેલા ફાયરિંગ બાદ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. આ અથડામણમાં સેનાના ત્રણ જવાનો ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ બાદમાં મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.”

પુંછ અને રાજૌરીમાં અથડામણમાં 10 જવાનો થયા હતા શહીદ 
આ પહેલા એપ્રિલ અને મે મહિનામાં પુંછ અને રાજૌરી જિલ્લામાં બે અલગ-અલગ હુમલા-અથડામણમાં સેનાના 10 જવાનો શહીદ થયા હતા. આ એ વિસ્તાર છે જેને છેલ્લા લગભગ બે દાયકાથી આતંકવાદ મુક્ત માનવામાં આવતો હતો. આ વર્ષની શરૂઆતમાં પણ આતંકવાદીઓએ રાજૌરીમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન 7 નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button