મોદી કેમ મણીપુર ના ગયા? ગુજરાત સહિતના CM બદલાયા, બિરેનસિંઘ સલામત કેમ વિપક્ષનો પ્રશ્ન
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર તીખી ચર્ચા શરૂ

આગામી સમયમાં ધારાસભા અને 2024ની લોકસભા ચુંટણી પુર્વે સરકારે અને વિપક્ષ વચ્ચેના સંસદના આ સંભવત અંતિમ નિર્ણાયક જંગમાં આજથી શરૂ થયેલી અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં એક તરફ વિપક્ષ તરફથી ચર્ચાનો પ્રારંભ કરતા કોંગ્રેસના સાંસદ શ્રી ગૌરવ ગોગોઈએ મણીપુર મુદે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ભીડવતા પ્રશ્નોનો મારો કર્યો હતો
તો બીજી તરફ ભાજપના સાંસદ નીશીકાંત દુબેએ સોનિયા તથા રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા હતા. કુલ 12 કલાક ચાલનારી આ ચર્ચામાં તા.10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે. આજે ચર્ચાનો પ્રારંભ ગઈકાલેજ ફરી સાંસદ પદ પરત મેળવનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી કરશે તેવી લોકસભા સચીવાલયની માહિતી બાદ ઓચિંતા જ ગૌરવ ગોગોઈએ ચર્ચાનો પ્રારંભ કરતા હોબાળો મચી ગયો હતો અને થોડા સમય ધાંધલ ધમાલ ચાલી હતી. તેઓએ મોદી પર જ પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું કે મણીપુર 80 દિવસથી સળગે છે. રાહુલ ગાંધીએ અને I.N.D.I.A. ના સાંસદો મરીપુર ગયા પણ કેમ મોદી ગયા નથી?
તેમણે મણીપુર મુદે વડાપ્રધાન કેમ ફકત 30 સેકન્ડ અને તે પણ ગૃહની બહાર બોલ્યા શા માટે ગૃહમાં બોલતા નથી અમો વડાપ્રધાનનું મૌન તોડાવવા જ આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છીએ. તેઓએ ત્રીજો સવાલ દાગતા કહ્યું કે શા માટે હજું સુધી મોદી મણીપુરના મુખ્યમંત્રીને હટાવાયા નથી. તેમણે ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે રાજયમાં ચુંટણી પુર્વે મુખ્યમંત્રી બદલાયા ઉતરાખંડ ત્રિપુરામાં બદલાયા પણ મણીપુરના મુખ્યમંત્રીને કોના આશિર્વાદ છે!
બાદમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમના વકતવ્યમાં સીધા સોનિયા ગાંધી- રાહુલ ગાંધી પર સીધા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ પર પણ પ્રહાર કરતા કહ્યું કે અહી બેઠેલા વિપક્ષના કેટલા નેતાઓ I.N.D.I.A.નું ફુલ ફોર્મ કહી શકશે તેમણે સોનિયા ગાંધી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે તેમનું કામ બેટા (રાહુલ)ને સેટ કરવાનું અને જમાઈ (રોબર્ટ વાડ્રા)ને ભેટ કરવાનું છે.
ભારતીય નારીએ શું કામ કરવું જોઈએ તેનું પુરુ ચિત્ર સોનિયાજી આપી રહ્યા છે. તેઓને પુત્ર અને જમાઈની ચિંતા છે. આ ચર્ચામાં 50%થી વધુ સાત કલાકનો સમય ભાજપના માટે ફાળવાયો તથા પાંચ કલાક વિપક્ષો માટે છે. ભાજપ તરફથી ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ નાણામંત્રી નિર્મલા સીતારામન મહિલા બાળ કલ્યાણમંત્રી સ્મૃતિ ઈરાની નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદીત્ય સિંધીયા સહિતના 20 વકતાઓ બોલશે.