હું આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું
વિપક્ષ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, દેશના વિકાસ માટે પરિવારવાદથી આઝાદી જરૂરી છે

ભારત દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે સમગ્ર દેશ 77 મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો ફરકાવ્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પોતાના 10 વર્ષના UPA કાર્યકાળમાં સતત 10 વખત તિરંગો ફરકાવ્યો હતો.
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સોનેરી ક્ષણ આવતા પાંચ વર્ષ છે. આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવશે. હું ફક્ત તમારા માટે જ જીવું છું. જો હું પરસેવો પાડુ છું તો તમારા માટે પાડુ છું કારણ કે તમે મારો પરિવાર છો. હું તમારું દુ:ખ જોઈ શકતો નથી.
જે બાદ પીએમ મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં હિંસા ફેલાઈ. માતા-બહેનોના સન્માન સાથે ખિલવાડ કરવામાં આવ્યો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે. સમગ્ર દેશ આજે મણિપુરની સાથે છે.
77માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ. પરિવારવાદે આપણા દેશને લૂંટી લીધો છે. ત્રીજી દુષ્ટતા તુષ્ટિકરણની છે. તે આપણા દેશ પર ડાઘ લગાવી દીધો છે. આપણે આ ત્રણેય દુષણો સામે આપણી પૂરી શક્તિથી લડવાનું છે. આપણે આ ત્રણ બુરાઈઓમાંથી મુક્તિ મેળવવાની છે.