2047 માં ભારતીયોની માથાદીઠ આવક રૂા.14.9 લાખ પર પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2028 સુધીમાં ભારતીય અર્થ વ્યવસ્થા દુનિયાની ત્રીજા નંબરની બની જવાની ગેરંટી આપી હતી.

હવે જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ પણ સુર પુરાવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના રીચર્સ રીપોર્ટ પ્રમાણે ભારતમાં માથાદીઠ આવક 2027 માં બે લાખ રૂપિયા (2500 ડોલર) હશે તે 2047 સુધીમાં 7.50 ગણી વધીને 14.9 લાખ રૂપિયા (12400 ડોલર) થઈ જશે. કેન્દ્ર સરકારે વિકસીત અર્થતંત્રનું બીરૂદ મેળવવા માટે 2047 સુધીનો ટારગેટ રાખ્યો છે.
વડાપ્રધાન મોદીએ ગઈકાલે આઝાદી દિવસનાં સંબોધનમાં કહ્યુ કે 2047 માં વિકસીત અર્થતંત્ર માત્ર સ્વપ્ન નથી પરંતુ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે. એસબીઆઈ રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે ભારતમાં ઈન્કમટેકસ ભરનારા ભારતીયોની સરેરાશ આવક 2022 ની 13 લાખ હતી. તે 2047 માં વધીને 49.9 લાખ રૂપિયા થઈ જશે. ઓછી આવક ગ્રુપના લોકો ઉચ્ચ આવકની શ્રેણીમાં આવશે અને ટેકસમાં વૃદ્ધિથી આ શકય બનશે. નાણા વર્ષમાં ટેકસ ફાઈલ કરનારાની સંખ્યા 21 લાખથી વધીને 8.5 કરોડે પહોંચી છે. જે 2047 સુધીમાં 48.2 ક્રોડે પહોંચશે.
અર્થાત કરદાતાઓની સંખ્યા અત્યારનાં 22.4 ટકાથી વધીને 85.3 ટકા થશે. ઝીરો ટેકસ ભરતા લોકોની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થશે. કારણ કે મોટાભાગનાં ઉચ્ચ આવક શ્રેણીમાં પહોંચી ગયા હતા. રીપોર્ટમાં એમ કહેવાયું કે 2011 થી 2022 દરમ્યાન પાંચ લાખથી ઓછી આવક ધરાવા 13.6 ટકા ઉચ્ચ આવક શ્રેણીમાં પહોંચ્યા હતા.8.1 ટકા 5 થી 10 લાખની આવક જુથમાં અને 3.8 ટકા 10 થી 20 લાખ રૂપિયાની શ્રેણીમાં પહોંચ્યા હતા. ઝીરો ટેકસ રીટર્ન ફાઈલ કરનારાની સંખ્યા પણ ઓછી થઈ છે. રીટર્ન ફાઈલ કરનારા અર્ધોઅર્ધ કરદાતા મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન તથા પશ્ર્ચિમ બંગાળમાં હોવાનો સંકેત અપાયો છે.પ્રવાસી કામદારો લોકોથી 10 રાજયોની જીડીપીને ફાયદો થયાનું રીપોર્ટમાં કહેવાયું છે.