પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે રાજ્ય સરકાર આજે કરી શકે છે મોટી જાહેરાત,
સાંજે 5 વાગ્યે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામત મામલે મોટા સમાચાર સામે આવી રહ્ટા છે. જે મુજબ કેબિનેટમાં ઝવેરી કમિશનનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સાંજે 4 વાગ્યે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ઝવેરી કમિશનની ભલામણો અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC અનામતનો મુદ્દો અટક્યો હતો, ત્યારે આ મામલે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે છે.
વિગતો મુજબ, સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ સાંજે 5 વાગ્યે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રેસ કોન્ફરન્સ કરશે. ખાસ છે કે ઝવેરી કમિશને પોતાનો રિપોર્ટ 13 એપ્રિલે સોંપ્યો હતો. કમિશને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના ધોરણે અનામત આપવા રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ અભ્યાસ માટે 8મી જુલાઇ 2022ના રોજ કે. એસ. ઝવેરીના નેતૃત્વમાં ‘સમર્પિત આયોગ’ની રચના કરાઈ હતી.
ખાસ છે કે, સૂત્રો મુજબ, ગુજરાતના 11 જિલ્લાઓમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહેવાનો દાવો કરાયો છે. જ્યારે 500 ગ્રામ પંચાયતોમાં OBC સમુદાયનું પ્રભુત્વ છે. એવામાં રાજ્યની 49 ટકા અનામત વધે નહિ તે મુજબ OBC સમુદાયને અનામતનો લાભ આપવામાં આવશે. ઝવેરી કમિશનના રિપોર્ટના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અટકી છે. જેમાં 2 જિલ્લા પંચાયતની ચૂંટણી, 17 તાલુકા પંચાયતની ચૂંટણી અને 72 નગરપાલિકાની ચૂંટણી અટકી છે. જેના કારણે તમામ સંસ્થાઓમાં હાલ વહીવટદાર નીમવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.
ત્યારબાદ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે એસ ઝવેરીએ વીટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના જજમેન્ટ, વિવિધ હાઈકોર્ટના જજમેન્ટના આધારે રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી દેવાયો છે. જેમાં દરેક રાજકીય પક્ષને સાંભળવામાં આવ્યા છે. દરેક પક્ષનું માનવું છે કે નોકરીની જેમ જ અનામત આમાં પણ આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે નોકરીની જેમ 27.5 ટકા ઓબીસી અનામત આપવાની રજૂઆત હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે અમે વસ્તીના આધારે રિપોર્ટ સોંપ્યો છે. હવે આ મામલે સરકાર પોતાનો નિર્ણય લેશે! રિપોર્ટ સોંપ્યા પછી આયોગની કોઈ જવાબદારી નહીં, સરકાર જ નિર્ણય લેશે. વધુમાં દર વર્ષે ઓબીસી અનામત બાબતો રિપોર્ટ આ પ્રકારે આપવો જોઈએ તેવા સુપ્રીમના નિર્દેશના આધારે ભલામણ કરી છે. જેમાં ઓબીસીની વસ્તી આધારે બેઠકો થશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી.