ચીન-રશિયા બાદ મેકસીકોના રાષ્ટ્રપતિ પણ દિલ્હી નહી આવે
અમેરિકા-ભારતનો રેકોર્ડ સારો દરેક શિખર બેઠકમાં રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાને હાજરી આપી છે: સાઉદી રાષ્ટ્રવડા કદી હાજરી આપતા નથી: હવે દિલ્હી ભણી મીટ

દેશમાં એક તરફ જન્માષ્ટમીની તૈયારીઓ વચ્ચે તા.9-10 દિલ્હીમાં મળનારી જી-20 દેશોની શિખર પરિષદ માટેની તૈયારીઓ પણ હવે આખરી તબકકામાં છે અને આ સમીટમાં ભાગ લેવા આવનાર દરેક રાષ્ટ્રવડાઓના આગમનના તથા વિદાયના શેડયુલ નિશ્ચિત થઈ રહ્યા છે. એક તરફ સૌથી મોટું આકર્ષણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન હશે અને તેઓ તા.8ના સાંજે એરફોર્સ વનમાં દિલ્હી પહોંચીને તથા તા.10ના રવાના થશે.
પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન તથા ચીનના રાષ્ટ્રવડા જીનપીંગ હાજર રહેશે નહી અને બન્ને રાષ્ટ્રવડાઓ તેમના ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિમંડળને તથા ચીન તેના વડાપ્રધાન લી અને રશિયા વિદેશમંત્રી સર્ગઈ લાવરોવને મોકલશે તો બીજી તરફ મેકસીકોમાં પણ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી છે તેથી તેના રાષ્ટ્રવડા પણ જી.20માં હાજરી આપશે નહી.
અન્ય રાષ્ટ્રવડાઓના કન્ફર્મેશન આજે અથવા આવતીકાલ સુધીમાં મળી જશે. આમ આ સમીટમાં ચીન-રશિયાના રાષ્ટ્રવડાઓની ગેરહાજરીને અમેરિકા વિરોધી લોબીની ગેરહાજરી તરીકે જોવામાં આવી રહી છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પીટીઆઈ સાથેની એક મુલાકાતમાં અરુણાચલ તથા જમ્મુ-કાશ્મીરમાં જી.20 બેઠકો યોજવા સામે ચીન તથા પાકિસ્તાનના વિરોધને ફગાવી દઈને આ બન્ને દેશોને સ્પષ્ટ સંદેશ આપી દીધા છે.
વડાપ્રધાને સ્પષ્ટ કર્યુ કે, બન્ને ભારતના અવિભાજય રાજય છે અને ત્યાં જી.20 બેઠકો યોજવામાં કોઈનો વિરોધ સ્વીકાર્ય નથી. આમ જી.20ની બેઠક પુર્વે આ બન્ને દેશોને ડિપ્લોમેટીક ‘જવાબ’ આપીને ભારતે તેનું વલણ સ્પષ્ટ કર્યુ છે કે વૈશ્વિક મંચ પર દ્વીપક્ષી બાબતોને હાવી થવા દેવાશે નહી.
જી-20 માં રાષ્ટ્રવડાઓની હાજરીમાં સતત કોઈને કોઈ દેશના વડા ગેરહાજર રહેનાર છે. 2010 બાદ એક પણ વખત સમીટમાં તમામ સભ્યદેશના રાષ્ટ્રવડાઓ હાજર હોય તેવું બન્યુ નથી. જો કે ભારત-અમેરિકા-બ્રિટન-ઈટલી-કેનેડા-જર્મની-દ.કોરિયા એ એવા દેશો છે જેના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આ પ્રકારની બેઠકમાં હાજર રહ્યા હોય જયારે સાઉથ અરેબીયામાં કદી તેના રાષ્ટ્રવડા આ પ્રકારની બેઠકમાં હાજરી આપતા નથી.