દિલ્હીમાં ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમી પર્વ: જી-20ની થીમ પર પણ કાર્યક્રમો

જન્માષ્ટમી પર્વને લઈને અત્રે ખાસ તૈયારીઓ થઈ રહી છે. શહેરના તમામ મંદિરોમાં ધામધૂમથી તહેવાર ઉજવવામાં આવશે. ઈસ્કોન ઈસ્ટ ઓફ કૈલાસ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. દિલ્હીમાં જી-20 શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. ત્યારે જી-20ની થીમ પર પણ કાર્યક્રમો યોજાશે.
જી-20 સમીટના કારણે સવારે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જ લોકો દર્શન કરી શકશે. રાત્રે 9 વાગ્યે મંદિરમાં એન્ટ્રી બંધ કરવામાં આવશે. જે શ્રધ્ધાળુઓ 9 વાગ્યા પહેલા મંદિર પરિસરમાં પ્રવેશ્યા હશે તેઓ અડધી રાત સુધી દર્શન કરી શકશે. મંદિરને ફુલોથી સજાવાશે. જેના માટે થાઈલેન્ડ, હિમાચલ પ્રદેશ, બેંગલુરુ, તમિલનાડુ સહિત અનેક જગ્યાએથી ફૂલ મંગાવવામાં આવી રહ્યા છે.
રાત્રે 9 વાગ્યે મહાભિષેક થશે. તેમાં ભગવાનને 1008 પ્રકારના ભોગ અર્પિત કરાશે. ત્યાર બાદ રાત્રે 12-30 વાગ્યે મહા આરતી થશે. મંદિરના પરિસરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઈ છે. જયારે દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાન 6 અને 7 સપ્ટેમ્બરે દ્વારકા સેકટર 10માં સાંજે 7 વાગ્યાથી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ યોજાશે.