ગુજરાત

આશાનું કિરણ: તા.7થી વરસાદી ગતિવિધી શરૂ થશે

ચોમાસું ફરી નોર્મલ થશે, હવામાં ભેજ વધશે, લો-પ્રેસરનો પ્રભાવ પડશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકાદ મહિનાથી નોંધપાત્ર વરસાદની ગેરહાજરીથી સંકટના વાદળો છવાવા લાગ્યા છે ત્યારે લાંબા બ્રેક બાદ આશાનુ કિરણ ઉભુ થયુ છે અને રાજયનાં અનેક ભાગોમાં તા.7 થી વરસાદી ગતિવિધી દેખાવા લાગવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે, લાંબા બ્રેકને કારણે દેશમાં અત્યાર સુધીની વરસાદી ખાધ 11 ટકાએ પહોંચી છે.પરંતુ હવે કેટલાંક સાનુકુળ પરિબળો વરસાદી ગતિવિધીને સંકેત આપે છે.ઉતર પૂર્વ બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનીક સરકયુલેશન આજે ઉતર પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રીત થયુ છે અને આવતા ચોવીસ કલાકમાં લો-પ્રેસરમાં રૂપાંતરીત થશે.બે દિવસમાં મધ્યપ્રદેશ આસપાસ પહોંચવાની સંભાવના છે.

આ સિવાય હિમાલયન તળેટીમાં રહેલી ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો તા.5-6 સપ્ટેમ્બરમાં નોર્મલ થવા તરફ ગતિ કરશે જયારે પૂર્વ છેડો નોર્મલ કે નોર્મલથી દક્ષિણે રહેશે. આ ઉપરાંત ગુજરાતમાં 3.1 કીમીના લેવલે ભેજનું પ્રમાણ તા.7-8 સપ્ટેમ્બરથી વધશે.

તા.4 થી 10 સપ્ટેમ્બરની આગાહી કરતા તેઓએ કહ્યું કે, બંગાળની સીસ્ટમના પ્રભાવ હેઠળ તા.7 થી 10 સપ્ટેમ્બરમાં ચોમાસુ ગતિવિધી દેખાશે.ગુજરાત રીજીયનમાં છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ બોર્ડરને લાગુ ભાગોમાં તા.6 થી ચોમાસું ગતિવિધી દેખાશે.

સૌરાષ્ટ્ર-કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાત રીજીયનને લાગુ સૌરાષ્ટ્રમાં (પૂર્વ)માં તા.7 થી 10 દરમ્યાન છુટીછવાઈ વરસાદી ગતિવિધી દેખાશે બાકીનાં ભાગોમાં ખાસ પ્રભાવ નહિં દેખાય.

અશોકભાઈ પટેલે આગોતરૂ એંધાણ જાહેર કરતાં જણાવ્યું હતું કે તા.10 સુધીની આગાહી બાદ તા.11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વધુ સાનુકુળ વાતાવરણ સર્જાવાની શકયતા છે. જોકે તેની વિગતવાર આગાહી હવે પછી જાહેર કરાશે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button