ગુજરાત

સાઈબરક્રાઈમમાં ફરિયાદ: મોટા રિટર્નની લાલચમાં જંગી રકમ ગુમાવી

પોલીસના સૂત્રોએ કહ્યું કે, ટાસ્ક અથવા પાર્ટટાઈમ જોબ ઓફર કરીને છેતરપીંડી આચરતી જુદી-જુદી ગેંગ છે

ડીજીટલ વ્યવહારોના વધતા ટ્રેન્ડની સાથોસાથ છેતરપીંડી-ઠગાઈના કિસ્સા પણ વધી રહ્યા હોય તેમ અમદાવાદના શેરબ્રોકરે ટાસ્ક-ફ્રોડમાં રૂા.2.50 કરોડ ગુમાવ્યા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદમાં શેરબ્રોકર તરીકે વ્યવસાય કરતા જયેશ વકીલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સમીક્ષા નામની મહિલાએ ટેલીગ્રામ મારફત સંપર્ક કરીને ટાસ્ક (લક્ષ્યાંક) આધારીત મોટુ વળતર આપવાની ઓફર કરી હતી. ટ્રાવેલીંગ પોર્ટલ મારફત ઘરબેઠા જ કામ કરવાની વાત કરી હતી. આ માટે પોતે નાણાં ભરતા વેબલીંક મોકલી હતી અને પોતે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું.

ત્યારબાદ તુર્ત રૂા.11000 જમા થયા હતા. આ પછી જુદી-જુદી પ્રોડકટ અને સર્વિસ માટે ટાસ્ક આપવામાં આવ્યા હતા. 90 ટાસ્ક પુરા કર્યા બાદ રૂા.1000 મળ્યા હતા. વધુને વધુ ટાસ્ક પુર્ણ કરવાની લાલચ આપીને રોકાણ વધારવાની લાલચ આપી હતી જેને પગલે પોતે 27 જુલાઈથી 6 સપ્ટેમ્બર દરમ્યાન જુદા-જુદા 29 વ્યવહારોમાં 2.46 કરોડનું રોકાણ કર્યુ હતું. મોટા રોકાણ બાદ એકાએક રીટર્નના નાણાં મળવાનું બંધ થઈ જતા સાયબરક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના સૂત્રોએ કહ્યું કે, ટાસ્ક અથવા પાર્ટટાઈમ જોબ ઓફર કરીને છેતરપીંડી આચરતી જુદી-જુદી ગેંગ છે અને તમામની મોડસ ઓપરેન્ડી એક સમાન છે. પ્રથમ તબકકે ટાસ્ક માટે નાની રકમ ઉઘરાવીને વિશ્વાસ કેળવવા મોટુ વળતર ચુકવાય છે પરંતુ પછી ગેંગ ઠગાઈ કરી જાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button