ઈન્ડીયા’માં તિરાડ: જી-20 ડીનર પાર્ટીમાં સીએમ મમતા અને સ્ટાલીનની હાજરીથી કોંગ્રેસ ભડકી
એવી કઈ વાત હતી કે મમતાને ડીનર પાર્ટીમાં સામેલ થવું પડયું? કોંગ્રેસ નેતા અધિર રંજન: સીએમે બધું બતાવવાની જરૂર નથી: ટીએમસીનો પલટવાર

જી-20 સંમેલન અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપેલા ડીનર સમારોહમાં ટીએમસી સુપ્રીમો અને પશ્ર્ચીમ બંગાળની મુખ્યમંત્રી તેમજ વિપક્ષોના ‘ઈન્ડીયા’ ગઠબંધનની મહત્વની સૂત્રધાર હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસે ઉકળી ઉઠી પ્રતિક્રિયા આપી હતી કે એવી કઈ વાત છે કે તેમને ડીનર સમારોહમાં જવું પડયુ.
સામેપક્ષે ટીએમસીએ પણ કોંગ્રેસ પર પલટવાર કર્યો કે બેનર્જીએ બધું બતાવવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ આપેલા ડીનર સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગેને આમંત્રણ નહોતું અપાયું, જયારે મમતા બેનર્જીએ ડીનરમાં સામેલ થવાના મમતા બેનર્જીના ફેસલા સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે શું આથી મોદી સરકાર સામે તેમનું વલણ કમજોર નહીં થઈ જાય. ચૌધરીએ જણાવ્યું હતું કે જયારે બિનભાજપી મુખ્યમંત્રીઓ ડીનરમાં સામેલ થવાથી દુર રહ્યા હતા
ત્યારે મમતા બેનર્જી એક દિવસ પહેલા જ દિલ્હી ચાલી ગઈ હતી. કાર્યક્રમમાં મમતા બેનર્જી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સાથે હાજર હતી. જી-20ની ડીનર પાર્ટીમાં વિપક્ષી મુખ્યમંત્રીઓએ અંતર રાખ્યું હતું પરંતુ મમતા ઉપરાંત તામિલનાડુના સીએમ સ્ટાલીનની હાજરીથી વિપક્ષોના ગઠબંધન ‘ઈન્ડીયા’માં તિરાડ સર્જાઈ હતી.