જી-20ના જબરા ડિપ્લોમેટીક ઈવેન્ટની સમાપ્તી સાથે જ ફરી એક વખત આગામી દિવસોમાં જોવા મળનારા રીયલ-પોલીટીકસ પર હવે ધ્યાન કેન્દ્રીત થવા લાગ્યુ છે
સરકાર-શાસક પક્ષે જાળવેલા સસ્પેન્સ વચ્ચે જબરી ચર્ચા; વન-નેશન-વન-ઈલેકશન, જમ્મુ-કાશ્મીરને ફરી પુર્ણ રાજયનો દરજજો, મહિલા અનામત ખરડો સહિતના ગાજી રહેલા મુદાઓ પર સરકાર કોઈ મોટી જાહેરાત કરશે! વધુ એક ચુંટણી ‘નેરેટીવ’થી વિપક્ષોને મહાત કરવા તૈયારી

દેશમાં જી-20ના જબરા ડિપ્લોમેટીક ઈવેન્ટની સમાપ્તી સાથે જ ફરી એક વખત આગામી દિવસોમાં જોવા મળનારા રીયલ-પોલીટીકસ પર હવે ધ્યાન કેન્દ્રીત થવા લાગ્યુ છે તે સમયે તા.18થી પ્રારંભ થનારા સંસદના પાંચ દિવસના ખાસ સત્રમાં મોદી સરકાર કયું મોટુ આશ્ર્ચર્ય સર્જશે અને ખાસ કરીને સંગઠીત થવા માંગતા વિપક્ષોને એક જબરો આંચકો આપશે તેવા સંકેત છે. સરકારે કોઈ ખાસ અને જાહેર કારણ વગર જ સંસદનું પાંચ દિવસનું સત્ર બોલાવ્યું છે જેમાં પ્રથમ નવા સંસદ ભવનમાં ગણેશ ચતુર્થીના પ્રવેશનું મુર્હુત સાચવવાનો પ્રયાસ છે
તેવા સંકેત છે પણ મોદી સરકાર અને ભાજપ દરેક ઈવેન્ટને રાજકીય લાભમાં પલટાવામાં પણ માહિર છે. ઉપરાંત લાંબા સમયથી કેટલાક મુદાઓ હવામાં ગાજે છે. તે સંસદના ફલોર પર આવશે કે કેમ તેની પણ ચર્ચા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા આશ્ર્ચર્ય સર્જવા માટે જાણીતા છે અને છેલ્લા કેટલાક દિવસથી જી.20નો દેશમાં શકય તેટલો પ્રભાવ પડે તે નિશ્ર્ચિત કરવામાં આવ્યું હતું અને હજું આગામી દિવસોમાં તે વધુ રીતે ઉજવાશે. ભાજપ નેરેટીવ સર્જવામાં માહિર છે અને ચુંટણીઓ પુર્વે એકથી વધુ મુદાઓ લોકો વચ્ચે મુકી દીધા છે.
સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ સંસદના ખાસ સત્રની જાહેરાત કરી પણ એજન્ડાનું સસ્પેન્સ જાળવી રાખ્યું છે. સાથોસાથ એક દેશ એક ચુંટણી મુદે પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદ હેઠળ કમીટી નીમીને તે મુદો ગાજતો કરી દીધો છે તો હવે ‘ઈન્ડીયા’ અને ભારતની ચર્ચા છે. સરકારે તો ભારત શબ્દનો ઉપયોગ શરૂ પણ કરી દીધો છે અને તેથી આ મુદાઓએ કયા મુદાઓ ખાસ સત્રમાં આવશે કે કેમ તેની ચર્ચા છે. જો કે આ અંગે ભાજપના ટોચના નેતાગીરીમાં પણ જબરો સસ્પેન્સ છે. બહુ ઓછા લોકો સુધી આ સત્રની માહિતી હતી અને ચર્ચા એ છે
કે રાજય સરકાર જમ્મુ-કાશ્મીરને ફરી રાજયનો દરજજો આપી શકે છે પણ પક્ષના અનેક નેતાઓ માને છે કે ચંદ્રયાન-3થી જી-20ની સફળતા અને મહિલા અનામત ખરડાથી લઈને ઓબીસી અનામત સહિતના મુદાઓ પર સરકાર ચર્ચાનો દૌર મુકીને ચુંટણી નેરેટીવ બનાવીને વિપક્ષોને મહાત કરી દેશે. ખાસ કરીને જી-20 સહિતના મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વૈશ્ર્વિક ઈમેજ બની છે તેને હવે દેશમાં ‘વિરાટ-દર્શન’ મારફત મતદારોની સામે રજુ કરાશે. સરકાર આ ઉપરાંત આત્મનિર્ભર ભારત માટેના પણ અનેક પગલાઓની જાહેરાત કરી શકાશે.