ગુજરાત

ગુજરાતમાં મહાનગરપાલિકાઓમાં નવા સુકાનીની જાહેરાત સંતુલન સાધવા ભાજપનો પ્રયાસ

રાજકોટના મેયર પદે નયનાબેન પેઢડીયા: સુરતમાં દક્ષેશ માવાણીને જવાબદારી

ગુજરાતમાં મહાનગરપાલિકાઓના નવા સુકાનીઓની પસંદગીની પ્રક્રિયામાં ગઈકાલે અમદાવાદ અને વડોદરાના નવા મેયરની પસંદગી જાહેર થયા બાદ આજે રાજકોટ, ભાવનગર, સુરત અને જામનગરના નવા મેયર તથા મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓની પસંદગી જાહેર થઈ રહી છે જેમાં રાજકોટના નવા મેયર તરીકે પ્રથમ વખત મહાનગરપાલિકામાં ચુંટાયેલા નયનાબેન પેઢરીયાને પસંદ કરાયા છે. ડે.મેયર તરીકે પણ પ્રથમ વખત કોર્પોરેટર બનેલા નરેન્દ્રસિંહ જાડેજાને નિયુક્ત કરાયા છે.

જયારે સ્ટે.ચેરમેનની જવાબદારી અનુભવી કોર્પોરેટર જયમીન ઠાકરને સુપ્રત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે લીલુબેન જાદવ અને દંડક તરીકે મનીષ રાડીયાની પસંદગી કરવામાં આવી છે. આ રીતે ભાજપે નો રીપીટ થીયરી ટોચના ચાર હોદાઓમાં અપનાવવાની સાથે મહિલાઓને વધુ તક આપી હતી. સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી દક્ષેશ માવાણીને મેયર તરીકે નિયુક્ત કરાયા છે.

જયારે ડે.મેયર પદે મનીષ પાટીલ, સ્ટે.ચેરમેન તરીકે રાજન પટેલ તથા દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાને પસંદ કરાયા છે. જયારે જામનગર અને ભાવનગરના નવા મેયર સહિતના હોદેદારોની પસંદગીની જાહેરાત ચાલુ છે અને ગમે તે ઘડીએ આ નામો જાહેર થશે. ભાજપે આ સાથે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને નાતી, જાતીના બેલેન્સને બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

ભાવનગરના મેયર તરીકે ભરત બારડની પસંદગી
ડે. મેયર તરીકે મોનાબેન પટેલ અને સ્ટે.ચેરમેન રાજુભાઇ રીબડીયા, શાસક પક્ષના નેતા તરીકે કિશોર ગુરૂબુખાણી અને દંડક તરીકે ઉષાબેન બધેકાની જાહેરાત

રાજકોટ જીલ્લા પંચાયતમાં પ્રમુખપદે પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર: કારોબારી ચેરમેન માટે પી.જી.કિયાડાની પસંદગી
રાજયમાં કોર્પોરેશન તથા પંચાયતોમાં નવા સુકાનીઓની પસંદગીનો સીલસીલો શરૂ થયો છે જે અંતર્ગત રાજકોટ જીલ્લા પંચાયતનાં પ્રમુખપદે પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીની પસંદગી થઈ છે. જયારે ઉપપ્રમુખપદે રાજુભાઈ ડાંગર તથા કારોબારી ચેરમેન તરીકે પી.જી.કિયાડાની પસંદગી કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આવતીકાલે યોજાવાની છે અને તેમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થશે તે પૂર્વે આજે બપોર સુધીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે. ફોર્મ ભરાયા પૂર્વે જ હાઈ કમાન્ડ દ્વારા નવા હોદેદારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે.જે અંતર્ગત પ્રમુખપદે કુવાડવાનાં સભ્ય પ્રવિણબેન સંજયભાઈ રંગાણીની પસંદગી થઈ છે તેઓ દ્વારા આજે બપોરે ફોર્મ ભરવામાં આવશે.

ઉપપ્રમુખ પદે રાજુભાઈ ડાંગર ફોર્મ ભરશે.કારોબારી ચેરમેન તરીકે સિનીયર સભ્ય પી.જી.કિયાડાની પસંદગી થઈ છે.પી.જી.કિયાડા હાલ બાંધકામ સમિતિનાં ચેરમેનનો હોદ્દો ધરાવે છે.સીનીયર અને અનુભવી હોવાના કારણે તેઓની પસંદગી થયાનું માનવામાં આવી રહ્યું છે. પ્રમુખ-ઉપપ્રમુખ માટે કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર ઉભા રાખવામાં આવનાર નથી એટલે ચૂંટણી બિનહરીફ થવાનું સ્પષ્ટ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button