ફ્લાઇટમાં મહિલાઓની છેડતીના કિસ્સા વધી રહ્યા છે. હવે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલા મુસાફરની છેડતીનો મામલો સામે આવ્યો
આરોપીને આસામ પોલીસને સોંપવામાં આવ્યો

ફ્લાઇટમાં મહિલાઓની છેડતીના કિસ્સા વધી રહ્યા છે. હવે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલા મુસાફરની છેડતીનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી સામે એફઆઈઆર નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના 10 સપ્ટેમ્બરે ફ્લાઈટ નંબર 6E 5319માં બની હતી. પીડિતાએ કથિત જાતીય શોષણની ફરિયાદ નોંધાવ્યા બાદ ગુવાહાટીમાં વિમાને ઉતરાણ કર્યા બાદ આરોપીને આસામ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે ફરિયાદી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્ડિગોના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં અમે તપાસમાં મદદ કરીશું. તેમણે કહ્યું કે ફરિયાદ મળ્યા બાદ અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે.
આ પહેલા દુબઈથી અમૃતસર જતી ફ્લાઈટમાં પણ છેડતીનો મામલો સામે આવ્યો હતો. શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચેલા વિમાનમાં દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ ફ્લાઇટની એક મહિલા ક્રૂ મેમ્બરની છેડતી કરી હતી. વિમાન અમૃતસર પહોંચતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી.
છેલ્લાં બે મહિનામાં અલગ અલગ ફ્લાઈટ્સમાં જાતીય સતામણીના ઓછામાં ઓછા 4 કિસ્સા સામે આવ્યા છે. આ પહેલા 16 ઓગસ્ટના રોજ દિલ્હી-મુંબઈ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં કથિત જાતીય સતામણીનો મામલો સામે આવ્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.