લોકસભાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષો રણનીતિ ઘડી જ રહ્યા છે ત્યારે કોંગ્રેસે સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે રામકીશન ઓઝાના સ્થાને બી.એમ.સંદીપજીને જવાબદારી સોંપી છે.
રામકિશન ઓઝાને મધ્ય-ઉતર ગુજરાતની 9 બેઠકોની જવાબદારી

લોકસભાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષો રણનીતિ ઘડી જ રહ્યા છે ત્યારે કોંગ્રેસે સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે રામકીશન ઓઝાના સ્થાને બી.એમ.સંદીપજીને જવાબદારી સોંપી છે. ઓઝાને મધ્ય-ઉતર ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
વિધાનસભા ચુંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસે પ્રભારીથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધીના પદમાં ફેરફાર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ પદ શક્તિસિંહ ગોહિલને સોંપાયા બાદ પ્રભારી તરીકે રઘુ શર્માના સ્થાને મહારાષ્ટ્રના સીનીયર નેતા મુકુલ વાસનિકની નિયુક્તિ કરવામાં આવી હતી. હવે તેઓએ લોકસભા ચુંટણીની તૈયારીના ભાગરૂપે સંસદીય મતક્ષેત્રોની જવાબદારી સુપરત કરી છે.
વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ઝોનપ્રભારીની જવાબદારી સંભાળનારા રામકીશન ઓઝાને મધ્ય-ઉતર ગુજરાતની સંસદીય બેઠકોનો હવાલો સોંપાયો છે. તેઓ અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્ર્ચીમ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા તથા સાબરકાંઠાની બેઠકોની જવાબદારી સંભાળશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકોની જવાબદારી એઆઈસીસીના મંત્રી બી.એમ.સંદીપને સોંપવામાં આવી છે. તેઓને રાજકોટ ઉપરાંત ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર તથા કચ્છ લોકસભા બેઠકોનો હવાલો સોંપાયો છે.
આ સિવાય પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી, સુરત તથા વલસાડની સંસદીય બેઠકોની જવાબદારી ઉષા નાયડુને સોંપવામાં આવી છે.
કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, રાજય પ્રભારી મુકુલ વાસનીક સાથે સંકલનમાં આ ઝોન પ્રભારી તરીકે જવાબદારી સંભાળશે. સંગઠન, પ્રચારના મુદ્દા, ઉમેદવારની પસંદગી સહિતના મુદ્દાઓમાં તેઓની સક્રીય ભૂમિકા રહેવાનુ માનવામાં આવે છે.