ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે વારો છે ‘સમુદ્રયાન’ મિશનનો. ભારતીય વૈજ્ઞાનિકોની નજર હવે સમુદ્રની ઊંડાઈ પર છે અને ટૂંક સમયમાં તેનું પરીક્ષણ પણ શરૂ થવા જઈ રહ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સબમરીનને બનાવવામાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો છે

ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે વારો છે ‘સમુદ્રયાન’ મિશનનો. ભારતીય વૈજ્ઞાનિકોની નજર હવે સમુદ્રની ઊંડાઈ પર છે અને ટૂંક સમયમાં તેનું પરીક્ષણ પણ શરૂ થવા જઈ રહ્યું છે. મિશન સમુદ્રયાનનો ઉદ્દેશ કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ જેવી કિંમતી ધાતુઓ અને ખનિજોની શોધ કરવાનો છે. આ માટે ત્રણ વૈજ્ઞાનિકોને સબમરીનમાં પાણીની અંદર 6000 મીટર નીચે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સબમરીનનું નામ ‘મત્સ્ય 6000’ રાખવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સબમરીનને બનાવવામાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો છે. તેનું પ્રથમ પરીક્ષણ 2024ની શરૂઆતમાં ચેન્નાઈના દરિયાકિનારે બંગાળની ખાડીમાં હાથ ધરવામાં આવશે. પ્રવાસીઓને લઈ જતી વખતે ટાઇટનમાં તાજેતરમાં થયેલા વિસ્ફોટ પછી, વૈજ્ઞાનિકો તેની ડિઝાઇન અંગે ઝીણવટપૂર્વક વિચારણા કરી રહ્યા છે.
‘મત્સ્ય 6000’ સબમરીનના નિર્માણમાં લાગેલા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીના વૈજ્ઞાનિકો તેની આખરી સમીક્ષા કરી રહ્યા છે. ડીપ ઓશન મિશનના ભાગરૂપે સમુદ્રયાન મિશનનું કામ ચાલી રહ્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે અમે 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 500 મીટરની ઊંડાઈએ સમુદ્રી પરીક્ષણો હાથ ધરીશું. આ મિશન 2026 સુધીમાં સાકાર થવાની અપેક્ષા છે. માત્ર અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીને માનવસહિત સબમરીન લોન્ચ કરી છે.
આ મિશન વિશે માહિતી આપતા, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને વધુમાં જણાવ્યું હતું કે કોબાલ્ટ, મેંગેનીઝ અને નિકલ ઉપરાંત રાસાયણિક જૈવવિવિધતા, હાઇડ્રોથર્મલ વેન્ટ્સ અને લો-ટેમ્પરેચર મિથેનની શોધ કરવામાં આવશે. આ સબમરીનમાં વૈજ્ઞાનિકોની ટીમને મોકલવામાં આવશે.
મત્સ્ય 6000 નામની આ સબમરીન 6000 મીટરની ઊંડાઈ સુધીના દબાણનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આ સબમરીન પાણીની અંદર સતત 12 થી 16 કલાક સુધી સતત કામ કરી શકે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 96 કલાક સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો મળી રહેશે. મત્સ્ય 6000 સમુદ્રમાં જહાજોના સંપર્કમાં રહેશે. મત્સ્ય 6000નું વજન 25 ટન છે અને તે 9 મીટર લાંબી અને 4 મીટર પહોળી છે.