જુના સંસદભવનથી વડાપ્રધાનના નેતૃત્વમાં તમામ સાંસદોનો નવા ભવનમાં પ્રવેશ
કેન્દ્રીય કાનુન મંત્રી અર્જુન મેઘવાલ દ્વારા લોકસભા અને રાજયોની ધારાસભામાં મહિલાઓ માટે 33% અનામત ખરડાને : ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ નામ અપાયું

કેન્દ્રની મોદી સરકારે 2024ની ચુંટણીના એજન્ડામાં હવે સંસદ તથા ધારાસભાઓમાં 33% મહિલા અનામતનો ખરડો આજે લોકસભામાં રજૂ કરીને વિપક્ષોને વધુ એક વખત મહાત કરવા તૈયારી કરી છે. કેન્દ્રીય કાનુનમંત્રી અર્જુન મેઘવાલ દ્વારા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત) ખરડો રજુ કરાયો હતો.
છેલ્લા 27 વર્ષથી મહિલા અનામત ખરડો સંસદના એક યા બીજા ગૃહમાં લટકતો રહેતો હતો પણ સહમતીના અભાવે તે મંજુર થઈ શકતો ન હતો. હવે લોકસભામાં મોદી સરકારની પૂર્ણ બહુમતી અને રાજયસભામાં પણ વિપક્ષોને આ ખરડા પર સંમત થવા ફરજ પાડીને મોદી સરકાર હાલની પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં તથા 2024ની લોકસભા ચૂંટણીમાં તેને પ્રચારનું શસ્ત્ર બનાવાશે પણ હાલ તે લાગુ થશે નહી અને 2027થી તે દેશની ધારાસભાઓમાં અને બાદમાં 2029માં લોકસભામાં લાગુ થશે.

આજે આ ખરડો રજુ થશે પણ 2026 સુધી લોકસભામાં નવા સિમાંકન પર હાલ રોક છે તેથી 2026 બાદ નવા સિમાંકન હાથ ધરાશે જેમાં 2029માં લોકસભાની બેઠક પણ વધશે પણ હાલ 181 લોકસભા બેઠકો પર મહિલા અનામત આવશે. બાદમાં તે રોટેશન મુજબ દર પાંચ વર્ષે અલગ અલગ 33% બેઠકો પર લાગુ થશે. આજે લોકસભામાં આ ખરડો રજુ થયા બાદ કાલે તેના પર ચર્ચા થશે અને લોકસભા મંજુર કરે તે પછી તે તા.21ના રોજ રાજયસભામાં રજુ કરાશે અને બન્ને ગૃહો મંજુર કરે પછી તેને કાનૂન ઘડવાની પ્રક્રિયા હાથ ધરાશે.
કુલ 33% મહિલા અનામતમાં એસસી એસટી માટે જે અનામત બેઠકો છે તેમાં પણ અનામતની અંદર અનામત એટલે કે તે અનામતમાં પણ 33% લોકો મહિલા અનામત હશે. પ્રથમ 15 વર્ષ માટે એટલે કે ત્રણ ચુંટણી સુધી તે લાગુ રહેશે. તમામ ધારાસભાઓમાં તે લાગુ કરવા માટે 50%થી વધુ ધારાસભામાં તેને મંજુરી આપે તે જરૂરી છે અને ભાજપ શાસન સહિતના મોટાભાગના રાજયો અને વિપક્ષી સરકારો પણ આ અનામતની તરફેણમાં છે તેથી તે મંજુર કરાવવામાં કોઈ વિધ્ન સર્જાશે નહી.
સંસદનું જુનુ ભવન સંવિધાન ભવન તરીકે ઓળખાશે: આજે સંસદના જુના ભવનને અલવિદા કહીને નવા ભવનમાં પ્રવેશ થયો હતો તે પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ સાંસદોએ ફોટોસેશન કર્યું હતું. બાદમાં વડાપ્રધાનના નેતૃત્વમાં નવા ભવન ખાતે પહોંચ્યા હતા.
આજે સંસદના જુના ભવન પાસે તમામ સાંસદોનો ફોટો સેશન હોજાયું હતું તે સમયે ગુજરાતમાંથી રાજયસભામાં ચુંટાયેલા સીનીયર સાંસદ નરહરી અમીન થોડીક ક્ષણો માટે મુર્છીત થઈ ગયા હતા જો કે તેમને તાત્કાલીક સારવાર અપાઈ હતી અને ફોટો સેશનમાં ભાગ લીધો હતો.
લોકસભામાં મહિલા અનામત ખરડો રજૂ કરવાના મોદી સરકારના નિર્ણય પર પ્રતિભાવ આપતા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ શ્રીમતી સોનીયા ગાંધીએ કહ્યું કે આ અમારો ખરડો છે. તેઓએ જે સંસદના જૂના ભવનમાં પ્રવેશી રહ્યા હતા તે સમયે પત્રકારોએ આ ખરડા અંગે પુછતા જણાવ્યું કે આ અમારો છે- ‘અપના હૈ’



