સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ આજે વરસશે ભારેથી અતિભારે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સર્ક્યુલેશન સર્જાયું હતું
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ પડ્યો, કચ્છના લખપત તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ આજે વરસશે ભારેથી અતિભારે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સર્ક્યુલેશન સર્જાયું હતું. જે પશ્ચિમ ભાગ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતનાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ પડશે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં બે દિવસ વરસાદી માહોલ રહેશે. તો શુક્રવારથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 101 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના પગલે 34.52 ઈંચ સાથે સીઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે. જુન અને જુલાઈ માસમાં મેઘરાજાએ તોફાની બટિંગ કરતા સરેરાશ 27 ઈંચ વરસાદ પડ્યો છે. પરંતુ ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા આ વખતે સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થશે કે કેમ તેને લઈ સંકટના વાદળો દેખાતા હતા. જો કે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા મહેરબાન થયા અને છેલ્લા પાંચ દિવસમાં જ સિઝનનો 15 ટકા વરસાદ વરસ્યો છે અને ખેડૂતોએ પણ આ વરસાદને કારણે રાહતનો શ્વાસ લીધો છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વખતે 24 દિવસ મોડો સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થયો છે. રાજ્યના 104 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ 90 ઈંચ વરસાદ નોધાયો છે અને પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવે વરસાદની ઘટ નહીંવત છે.