ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા ભારે વરસાદને પરિણામે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા જિલ્લા કલેક્ટર્સ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી

વડોદરા, ભરૂચ સહિત 7 જિલ્લાઓમાં પૂર નુકસાનીના સર્વેની કામગીરી શરૂ

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખાબકી રહેલો વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદ રુપ સાબિત થયો છે, તો કેટલાક વિસ્તારોમાં આ ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના પગલે ખેડૂતો સહિત લોકોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આણંદમાં મહીસાગર નદીના પૂર બાદ સરવેની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે વડોદરા જિલ્લામાં પણ પૂર બાદ નુકસાનીના સરવેની કામગીરી હાથ વગે ચાલી રહી છે.

આણંદમાં મહીસાગર નદીના પૂર બોરસદ અને આંકલાવમાં સરવેની ટીમોએ કાર્યવાહી શરૂ કરી છે. બન્ને તાલુકામાં 20 ટીમો સરવેની કામગીરીમાં જોડાઈ છે. તલાટી, પંચાયત સભ્ય અને એન્જિનિયરો ટીમમાં શામેલ થયા છે. માનવ મોત, ઘર, પાક અને પશુ નુકસાનનો સરવે કરવામાં આવશે. એક સપ્તાહમાં સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સરવે કરાયેલો રિપોર્ટ જિલ્લા કક્ષાએ સોંપવામાં આવશે.

વડોદરા જિલ્લામાં પૂર બાદ નુકસાનીના સરવેની કામગીરી હાથ ધરાઈ છે. 7 તાલુકામાં 35 ટીમ દ્વારા સરવેની કામગીરી શરૂ કરાઈ છે. સરદાર સરોવર અને કડાણા ડેમમાંથી પાણી છોડતા નુકસાનીનો સરવે હાથ ધરાયો છે. 2 દિવસમાં નુકસાનીનો અહેવાલ તૈયાર કરી સરકારમાં મોકલાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા ભારે વરસાદને પરિણામે જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બુધવારે મોડી સાંજે જિલ્લા કલેક્ટર્સ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ વરસાદથી વધુ પ્રભાવિત થયેલા ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટર્સ સાથે તેમના જિલ્લાઓમાં માલમિલકતને, પશુઓને, તથા ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા, વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો આ વિડિયો કોન્ફરન્સમાં મેળવી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમ જ વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવઓ, વરીષ્ઠ સચિવો, આ બેઠકમાં જોડાયા હતા. અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરોએ તેમના જિલ્લાઓમાં કેશડોલ્સ ચૂકવણી અને ઘરવખરી સહાય આપવાની કામગીરી ત્વરાએ હાથ ધરાશે તેની મુખ્યમંત્રીને ખાતરી આપી હતી.

આ જિલ્લાઓમાં અન્ય માલમિલકત તથા ખેતીવાડીને થયેલા નુકસાનીનો પ્રાથમિક સર્વે પણ વરસાદ રહી જતાં હવે આગામી દિવસોમાં હાથ ધરવા માટે જિલ્લા સ્તરે સર્વે ટીમ કાર્યરત કરવાના આયોજનથી પણ સંબંધિત કલેક્ટરોએ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. વરસાદે વિરામ લીધા પછી હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ-માટી-કાંપ દૂર કરવા, માર્ગોની મરામત કરવા સાથે આડશો દૂર કરવી, પાણીનું ક્લોરિનેશન, જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને રોગચાળો ફેલાતો અટકાવવા અને અન્ય આરોગ્યલક્ષી પગલાંઓ પણ વેગવાન બનાવવામાં આવી રહ્યા છે, તેની વિગતો મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરોએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો સર્વે ત્વરિત ધોરણે હાથ ધરીને પ્રાથમિક અંદાજો તૈયાર કરવા અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય મળે તે માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સતત સંકલનમાં રહેવા કલેક્ટર્સને જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારને રાજ્ય સ્તરે સંબંધિત વિભાગો સાથે આ અંગે વિગતવાર આયોજન માટે પણ તેમણે સૂચનો કર્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button