મહિલા અનામત મારા જીવનસાથીનું સ્વપ્ન સોનિયાનો દાવો; પણ ગોલ મોદીનો ભાજપનો જવાબ
લોકસભામાં આજે સાત કલાકની ચર્ચા સાંજે સર્વાનુમતે પસાર થવાની શકયતા

કેન્દ્રની મોદી સરકારે જબરા સસ્પેન્સ બાદ સંસદમાં રજુ કરેલા મહિલા અનામત અંગેના નારીશક્તિ વંદના ખરડાની ચર્ચા સમયે એક તરફ કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ‘યશ’ લેવાની સ્પર્ધા શરૂ થઈ હતી તો બીજી તરફ બહુજન સમાજ પક્ષ અને અન્ય પક્ષોએ હવે એસટી એસસીની માફક ઓબીસીને પણ મહિલા અનામતમાં અપાવવા માંગ કરી છે. આજે આ ચર્ચા સાત કલાક ચાલશે અને સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ લોકસભામાં જવાબ આપે તેવા સંકેત છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખરડો સર્વાનુમતે પસાર કરવા કરેલી અપીલ કામ કરી ગઈ હોવાનું માનવામાં આવે છે.
કોંગ્રેસના પુર્વ પ્રવકતા સોનિયા ગાંધીએ આ ખરડો કોંગ્રેસનું સ્વપ્ન હોવાનો દાવો કરીને તેને ટેકો આપવાની જાહેરાત કરી છે અને મોટાભાગના પક્ષો ટેકો આપશે. છતાં પણ ભાજપે સાવધ રહીને તેના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ આપી છે. આજે ખરડા પર ચર્ચાનો પ્રારંભ કરતા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ મહિલા અનામત ખરડાને ટેકો આપવાની સાથે કહ્યું કે આ મારા જીવનસાથી સ્વ.રાજીવ ગાંધી (પુર્વ વડાપ્રધાન)નું સ્વપ્ન હતું. તેઓએ કહ્યું કે મહિલાઓએ આ અંગે લાંબો સમય રાહ જોઈ છે. તેઓએ આ અનામત શકય તેટલી વહેલી લાગુ કરવાની માંગ કરી હતી.
તેઓએ આ ઉપરાંત તેઓએ જાતિગત મતગણના કરાવવા અને પોલીસ મહિલાઓને પણ તેનો લાભ મળે તે માંગ કરી હતી. આ ખરડા પર ચર્ચામાં ભાગ લેતા ભાજપના સાંસદ શશીકાંત દુબેએ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે તમો કહો છો કે આ ખરડો તમારા સ્વ.પતિનું સ્વપ્ન હતું. પણ તેઓએ જે ખરડો લાવ્યા હતા તેમાં ડાબેરી સાંસદ ગીતા મુખર્જી અને ભાજપના સાંસદ સ્વ.સુષ્મા સ્વરાજે લડત આપી હતી. તેઓએ આ ખરડા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યશ આપતા કહ્યું કે ગોલ તો વડાપ્રધાન મોદીએ કર્યા હતા અને ફુટબોલમાં જે ખેલાડી ગોલ કરે છે તેના નામે જ તે નોંધાય છે. અહી આ ખરડારૂપી ગોલ વડાપ્રધાન મોદીએ કર્યા છે.