પ્રતિબંધિત સંગઠન PFI સામે EDની કાર્યવાહી, વાયનાડ સહિત કેરળના 4 જિલ્લામાં 12 સ્થળોએ દરોડા
કથિત આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નાણાંકીય વ્યવહારોની ઈડી દ્વારા તપાસની શક્યતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ED વાયનાડ સહિત રાજ્યના 12 સ્થળોએ દરોડા પાડ્યા છે. હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. EDએ ફરી એક વખત પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે કડક કાર્યવાહી હાથ ધરતા કેરળમાં PFIના પૂર્વ કાર્યકરોના ઘર પર દરોડા પાડ્યા છે. EDએ ત્રિશૂર, એર્નાકુલમ, મલપ્પુરમ અને વાયનાડ સહિત ચાર જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે PFI સંગઠન, સંગઠનના ભૂતપૂર્વ નેતાઓ અને અન્યના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે કેન્દ્ર સરકાર દ્વારા સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેના ઘણાં નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કથિત આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નાણાંકીય વ્યવહારોની તપાસ કરી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં NIAએ મલપ્પુરમમાં PFIના સંખ્યાબંધ કાર્યકરોના ઘરો પર દરોડા પાડ્યા હતા. વેંગારામાં થાઇલ હમઝા, તિરુરમાં કલાથીપરંબિલ યાહુથી, તનૂરમાં હનીફા અને રંગત્તુર પડિક્કાપરંબિલ જાફરના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા, આ તમામ લોકો પ્રતિબંધિત PFIનો ભાગ હતા.
અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને રાજ્ય પોલીસ દળોની સંયુક્ત ટીમે 10 રાજ્યોમાં દરોડા દરમિયાન 100 થી વધુ PFI નેતાઓની ધરપકડ કરી હતી. “આતંકવાદને ભંડોળ પૂરું પાડવા, તાલીમ શિબિરોનું આયોજન કરવા અને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોને કટ્ટરપંથી બનાવવા” માં સામેલ વ્યક્તિઓના રહેણાંક અને સત્તાવાર જગ્યાઓ પર આ સર્ચ કરવામાં આવ્યું હતું. અગાઉ 10 રાજ્યોમાં મોટી કાર્યવાહીમાં, એનઆઈએ, ઈડી અને રાજ્યની પોલીસે 100 થી વધુ PFI કેડર્સની ધરપકડ કરી હતી.



