જીલ્લા બેંકમાં ભ્રષ્ટાચારની લડાઈ ખુલ્લી છાતીએ જ લડી રહ્યા હોવાનો દાવો કરવા સાથે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે બેંકમાં ભ્રષ્ટાચાર ન થયાનું રાદડીયા કેમ જાહેર કરતા નથી
મંડળીઓના ભોગે બેંકની સમૃદ્ધિ યોગ્ય નથી: અમે પણ ‘પૂજારી’ નથી-રાજકારણી છીએ: હરદેવસિંહ ગ્રુપ આક્રમક

રાજકોટ જીલ્લાની સહકારી લડાઈમાં પાર્ટ-ટુ શરૂ થવાના એંધાણ હોય તેમ સહકારી નેતા જયેશ રાદડીયાનાં ‘ભરી પીવા’ના વિધાનોનો પ્રતિસ્પર્ધીઓએ જડબાતોડ જવાબ આપ્યો છે. જીલ્લા બેંકમાં ભ્રષ્ટાચારની લડાઈ ખુલ્લી છાતીએ જ લડી રહ્યા હોવાનો દાવો કરવા સાથે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે બેંકમાં ભ્રષ્ટાચાર ન થયાનું રાદડીયા કેમ જાહેર કરતા નથી. જીલ્લા બેંક, લોધીકા સંઘ જેવી સહકારી સંસ્થાઓમાં જયેશ રાદડીયા તથા તેના જુના શાસકો સામે મેદાને પડીને કાનુની જંગ માંડનાર હરદેવસિંહ સખીયાએ એક નિવેદનમાં એવો ટોણો માર્યો છે કે જામકંડોરણાની સભામાં જયેશ રાદડીયાની હતાશા સુચવે છે અને ભુરાયા થયા હોવાનું માલુમ પડે છે.
ખેડુતોના નામે ‘તક્વાદી’ રાજકારણ ખેલતા જયેશ રાદડીયાએ ખેડુતોનાં પરસેવાની કમાણીથી ઉભી થયેલી સંસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. અમે પણ આ વાતમાં સંમત છીએ પરંતુ ખેડુતોએ પરસેવાની કમાણીથી મંડળીઓ સ્થાપી અને તેના થકી બેંક સમૃદ્ધ હોવાનું ભુલાવુ ન જોઈએ. રાદડીયાએ મંડળીઓનાં કમીશન ઘટાડીને તેના ભોગે બેંકોને સમૃદ્ધ કરી છે તે યોગ્ય નથી.
સામી છાતીએ લડવાના વિધાનનો જવાબ આપતા તેઓએ કહ્યું કે જીલ્લા બેંકમાં ભ્રષ્ટાચારની ફરીયાદ ખાનગી વાત નથી ભાજપ સંગઠન અને સરકારને જાણ કરી જ હતી અને પછી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો આમ પીઠ પાછળનો વાર કયાં આવ્યો? ખુલ્લી છાતીએ જ રણમેદાનમાં ઝંપલાવ્યુ છે અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને પાર્ટીને જ ઝંપવાની કટીબદ્ધતા છે.
પોતે રાજકારણી છે અને બધાને ઠીક કરતા આવડે છે તેવા વિધાન વિશે આ આગેવાનોએ એમ કહ્યું કે અમે પણ મંદિરના પુજારી નથી અમને પણ રાજકારણ કરતા અને લડાઈ લડતા આવડે છે. આગેવાનોએ એવો પણ સવાલ કર્યો કે પાંચની ટોળકી સહકારી ક્ષેત્રમાં ચંચુપાત કરતા હોવાનું કહ્યું હતું. પરંતુ હાજર ખેડૂત સમક્ષ એવુ કેમ ન બોલ્યા કે બેંકમાં કોઈ ભ્રષ્ટાચાર નથી. પછેડી હોય એટલી જ સોડ તણાય અને પછી પછેડી ટુંકી ન પડે તેવી ગર્ભિત ટકોર કરતા તેઓએ કહ્યું કે કોઈપણ લડાઈમાં બન્ને પક્ષોએ નુકશાન માટે તૈયાર રહેવુ જોઈએ અને અમારી તૈયારી છે જ. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા બેંક સામે કેસ કરનારા આગેવાનોના નામ લીધા વિના સોમવારે જામકંડોરણા ખાતેના સહકારી સાધારણ સભામાં જયેશ રાદડીયા વરસ્યા હતા અને શાનમાં ન સમજે તો નામોનિશાન મિટાવી દેવાની ચીમકી આપી હતી.