આસામના સીએમ હિમંતા બિસ્વાનું મોટું નિવેદન, કહ્યું- બીજેપીને આગામી 10 વર્ષ સુધી મિયાં વોટની જરૂર નથી

આગામી મહિનાઓમાં દેશના પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તેને લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચૂંટણી રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ચૂંટણી રાજ્યોની મુલાકાત લઈને પાર્ટીની તરફેણમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન તેમણે આપેલા એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે બીજેપીને આગામી 10 વર્ષ સુધી ચાર (નદીની રેતી) વિસ્તારોમાં રહેતા ‘મિયાં’ લોકોના વોટની જરૂર નથી. સરમાએ કહ્યું કે આ લોકોએ બાળ લગ્ન જેવી પ્રથા છોડીને પોતાને સુધારવા પડશે. જો કે, સરમાએ કહ્યું કે ‘મિયાં’ લોકો તેમને, પીએમ મોદી અને ભાજપને સમર્થન આપે છે.
એક પ્રશ્નના જવાબમાં હિમંત સરમાએ કહ્યું કે ભાજપ લોકકલ્યાણ કરશે અને તેઓ અમને સમર્થન આપશે. પરંતુ તેમણે અમને મત આપવાની જરૂર નથી. અમારું સમર્થન કરવામાં કોઈ નુકસાન નથી. આસામના સીએમએ વધુમાં કહ્યું કે તેમને હિમંતા બિસ્વા સરમા, નરેન્દ્ર મોદી અને ભાજપ માટે ‘ઝિંદાબાદ’ના નારા લગાવવા દો. મિયાં એ બંગાળી ભાષી મુસ્લિમો માટે વપરાતો શબ્દ છે.
મુખ્યમંત્રી હિમંતા બસવા સરમાએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને વિનંતી કરીશ કે અમને મત ન આપો. જ્યારે તમે કુટુંબ નિયોજનને અનુસરો, બાળ લગ્ન બંધ કરો અને કટ્ટરવાદ છોડી દો ત્યારે અમને મત આપજો. આ બધું થતાં 10 વર્ષ લાગશે. અમે હમણાં નહીં પરંતુ 10 વર્ષ પછી તમારા મત માંગીશું. તેમણે કહ્યું કે મને અને ભાજપને મત આપનારને બે કે ત્રણથી વધુ બાળકો ન હોવા જોઈએ. તમારી દીકરીઓને શાળાએ મોકલો, બાળ લગ્ન ટાળો અને કટ્ટરવાદ છોડીને સૂફીવાદ અપનાવો.