સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેકશન ફરી એક વખત રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયું છે અને સરકારની આવકમાં પણ જંગી વધારો થયો છે તે સમયે હવે સરકારને પણ ફેસ્ટીવલ બોનાન્ઝાની આશા છે.
સરકારને ટેક્ષ કલેકશનમાં બલ્લે-બલ્લે થઈ શકે છે: ચોમાસાએ આખરી ઘડીએ રાહત આપી: ગ્રામીણ માંગ પણ વધશે: ચુંટણી સમયે દેશમાં ગ્રીનમૂડ છવાશે

સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેકશન ફરી એક વખત રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયું છે અને સરકારની આવકમાં પણ જંગી વધારો થયો છે તે સમયે હવે સરકારને પણ ફેસ્ટીવલ બોનાન્ઝાની આશા છે.
જેમાં દિવાળી સહિતના તહેવારોમાં લોકોની ખરીદી વધશે અને સરકારની કરવેરા આવકમાં પણ જંગી વધારો થવાની આશા નાણા મંત્રાલય રાખી રહ્યું છે. ટીવી, ફ્રીઝથી લઈને કાર કે રિયલ એસ્ટેટ આ તમામ ક્ષેત્રમાં સપ્ટેમ્બર માસમાં જંગી બિઝનેસ થયો છે અને જીએસટી કલેકશનમાં પણ વધારો થયો છે. લાંબા સમય સુધી મંદીની ચિંતા કર્યા બાદ હવે શહેરીની સાથોસાથ ગ્રામીણ ક્ષેત્રમાં પણ માંગ વધશે.
ચોમાસાના આખરી તબકકાએ રંગ રાખ્યો છે અને કૃષિ આવક દિવાળી પછી માર્કેટમાં આવવા મંડશે તેના કારણે ગ્રામીણ માંગ પણ વધે તેવી ધારણા છે. વિશ્વના અનેક દેશોમાં જો કે મંદીની ચિંતા છે તેથી નિકાસ પર અસર થશે. સરકાર પણ મોંઘવારીની ચિંતા કરે છે અને તેથી અનેક નિકાસ નિયંત્રણો લાદયા છે તેના કારણે ક્રુડતેલના ભાવ ઉંચા હોવા છતાં પણ ઘરઆંગણે ફુગાવો વધશે નહી તેવી શકયતા છે.
સરકાર પણ હાલ પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણોના ભાવ વધારવા માંગતી નથી. જો કે કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવ ગઈકાલે જ વધાર્યા છે પરંતુ ભૂતકાળમાં અનેક વખત તે ભાવમાં ઘટાડો થયો તેથી તેની મોટી અસર થશે નહી. દિપાવલી બાદના જીએસટી આંકડા ઉંચા આવતા જ 2024ની ચૂંટણી માટે સરકારને વધુ યોજનાઓ અને તેના લાભો ઓફર કરવાની પણ તક મળશે.