તહેવારો પૂર્વે જ રાહત સોનામાં કડાકો-દસ ગ્રામનાં રૂા.58400
છેલ્લા દસ દિવસમાં અંદાજીત રૂા.3000નો ઘટાડો થતાં ગ્રાહકો તહેવારો પૂર્વે જ ખરીદી કરવા લાગ્યા: નવરાત્રી-દશેરા-ધનતેરસની પવિત્ર ખરીદી વખતે પણ ભાવ નીચા રહેવાના સંજોગોમાં ‘સીઝન સુપર’ જવાનો જવેલર્સોનો આશાવાદ

નવરાત્રી-દિવાળીના તહેવારો શરુ થયા પૂર્વે જ લોકોમાં સોનાના ભાવ પર નજર તકાવાનું શરુ થઇ જતું હોય છે ત્યારે આ વખતે બપોરના રાહત મળી હોય તેમ સોનાના ભાવમાં છેલ્લા દસેક દિવસમાં મોટો ઘટાડો થયો છે એટલે તહેવારોની પવિત્ર ખરીદીમાં ઘણી રાહત મળવાનો આશાવાદ છે. સોનાનો ભાવ આજે વધુ ગગડયો હતો અને 10 ગ્રામના રૂા.58400 થયા હતાં. ભાવ ઘટતા લોકોએ તહેવારો પૂર્વે જ ખરીદી શરુ કરી દીધાના નિર્દેશ છે. રાજકોટની માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58400 થયો હતો. છેલ્લા બે દિવસમાં અંદાજીત એક હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે. કોમોડીટી એક્સચેંજ વાયદામાં સોનુ 850 રૂપિયા તુટીને 56250 સાંપડ્યું હતું. સોનાની જેમ ચાંદીમાં પણ ગાબડુ છે, હાજરમાં પ્રતિ કિલો 70 હજારની નીચે પહોંચી ગયો હતો અને 3 હજારના ઘટાડાથી 69 હજાર સાંપડ્યો હતો. કોમોડીટી એક્સચેંજમાં 67040નો ભાવ હતો. વિશ્વ બજારમાં સોનુ 1819 ડોલર તથા ચાંદી 21 ડોલર હતી.
સોની બજારના જ્વેલર્સોના કહેવા પ્રમાણે છેલ્લા દસેક દિવસથી ભાવ તૂટ્યા છે. વિશ્વ બજારની મંદી પાછળ આ ભાવ ઘટાડો છે, અમેરિકા સહિતના દેશોમાં વ્યાજદર વધારાના સિલસીલાના કારણે ભાવો નીચા આવી રહ્યા છે. આવનારા સમયમાં હજુ વ્યાજદર વધારવા પડશે તેવા ફેડરલ રીઝર્વના નિર્દેશથી માનસ વધુ ખરડાયું છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજદર વધારવામાં આવી રહ્યાનું અત્રે ઉલ્લેખનીય છે.
સોનાના ઘટતા ભાવથી સ્થાનિક જવેલરીઓ તથા લોકોને રાહત થઇ છે, જ્વેલર્સોના કહેવા પ્રમાણે અત્યારે ભાદરવા મહિનાનો શ્રાધ્ધ પક્ષ ચાલુ રહ્યો છે અને તેમાં સોના-ચાંદીની ખાસ ઘરાકી રહેતી નથી. નવરાત્રીના પ્રારંભ સાથે ઘરાકી શરુ થતી હોય છે પરંતુ છેલ્લા દિવસોમાં સોનાના ભાવ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યા હોવાથી ઘરાકી વ્હેલી શરુ થઇ ગઇ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી માર્કેટમાં ઘરાકી જોવા મળી રહી છે. તહેવારો કે ત્યારપછીના લગ્નગાળા માટે ખરીદી કરવા માંગતા લોકોએ અત્યારથી ઇન્કવાયરી કરવાનું શરુ કરી દીધું છે.
જ્વેલર્સો એવો આશાવાદ વ્યકત કરી રહ્યા છે કે આવતા અઠવાડિયાના અંતથી નવરાત્રીના તહેવારો શરુ થઇ જશે અને ત્યારથી ઘરાકી વધવાનું સ્વભાવિક છે. પરંતુ નવરાત્રી-દશેરા-ધનતેરસ અને દિવાળીમાં સોનાના ભાવ વર્તમાનસ્તર કે તેનાથી પણ વધુ નીચા રહેવાના સંજોગોમાં તહેવારોની સિઝન સુપરડુપર નિવડી શકે છે. ગુજરાતીઓ ભારતીયોમાં દશેરા-ધનેતરસે સોના-ચાંદીની ખરીદી કરવાની આગવી પરંપરા છે અને દરેક લોકો નાની-મોટી પવિત્ર ખરીદી કરતા હોય છે.
આ દિવસોમાં ખરીદીને શુકનવંતી ગણવામાં આવતી હોવાના કારણે મોટા પાયે ખરીદી-વેચાણ થતાં હોય છે. કિંમત નીચી રહેવાના સંજોગોમાં મોટી ખરીદી થવાને અવકાશ છે. જ્વેરીઓ એમ કહ્યું કે કેટલાક દિવસોથી તહેવારોની તૈયારી ચાલી રહી હતી પરંતુ તે પૂર્વે જ ઘરાકી શરુ થઇ જતાં વ્યવસ્થા વહેલી આટોપી લેવી પડી છે.
જાણકારોના કહેવા પ્રમાણે સોના-ચાંદીમાં ભાવ ઘટાડા પાછળનું એક માત્ર મુખ્યકારણ વધતા ડોલરનું છે. મોંઘવારીને ડામવા માટે અમેરિકા સતત વ્યાજદર વધારી રહી છે અને તેને પગલે ડોલર પણ વધુ ઉંચે જઇ રહ્યો છે. આવતા દિવસોમાં હજુ વ્યાજ વધવાનું છે એટલે ડોલર વધી શકે તેવી આશંકા છે. સોના-ચાંદીમાં મંદી થઇ છે હાલ ડોલર-ઇન્ડેક્સ 10 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. તેને કારણે સોના-ચાંદીના ભાવ પણ દબાણ સર્જાઇ રહ્યું છે. સોનાને લાગે વળગે છે ત્યાં સુધી 1880 ડોલરનો મજબૂત સપોર્ટ હતો પરંતુ આ સ્તર ધડાધડ તૂટી ગયું હતું હવે 1800 ડોલરે બીજો મહત્વનો સપોર્ટ છે જે તુટવાના સંજોગોમાં મંદી વધુ તીવ્ર થઇ શકે છે.
જ્વેલર્સોના કહેવા પ્રમાણે વિશ્વસ્તરે સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. દસેક દિવસમાં 120 ડોલર નીકળી ગયા છે મહત્વની વાત એ છે કે કરંસી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને 83.20ના નીચા સ્તરે આવી ગયો છે. વર્તમાન તબકકે ડોલર સામે રુપિયો મજબૂત થાય અને 80-82ના સ્તરે આવી જવાના સંજોગોમાં ઘર આંગણે સોનાના ભાવમાં વધુ મોટો ઘટાડો શક્ય છે અને તે સંજોગોમાં લોકોને તહેવારો ટાળે વધુ રાહત મળી શકે છે. જો કે વિદેશી નાણાં સંસ્થાઓ શેર બજારમાં મોટુ વેચાણ કરીને નાણાં ખેંચી જતી હોવાના કારણે ડોલર સામે રુપિયાની મજબૂતીની શક્યતા ધુધળી છે.