રિઝર્વ બેંકનો રિપોર્ટ નવુ ધિરાણ 1.96 ટકા મોંઘુ થવા સાથે નવી ડીપોઝીટના વ્યાજમાં 2.33 ટકાની વૃદ્ધિ
આશ્ચર્ય! પ્રથમ વખત લોન કરતા થાપણ વ્યાજદરમાં ઝડપી વૃદ્ધિ

બેંકીંગ ક્ષેત્રમાં ઉંચા લોનદરના ઉહાપોહ વચ્ચે આશ્ર્ચર્યજનક સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રથમ વખત એવુ બન્યુ છે કે ધિરાણને બદલે થાપણ વ્યાજદરમાં ઝડપી વધારો થયો છે.
રિઝર્વ બેંકના રિપોર્ટ પ્રમાણે મે 2022થી વ્યાજદરોમાં વધારો થયો હતો. રેપોરેટમાં 2.50 ટકાના વધારા સામે બેંકોએ લોનવ્યાજમાં દરેરાશ 1.10 ટકાનો વધારો કર્યો હતો. ગત ઓગષ્ટ સુધીમાં થાપણદરમાં સરેરાશ 1.57 ટકાનો વધારો કરાયો છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે બેંકોમાંથી ધિરાણ મેળવવામાં 15થી16 ટકાનો વધારો છે. નવા ધિરાણમાં વ્યાજદર વધારો 1.96 ટકા છે જયારે નવી થાપણ પરનો વ્યાજદર વધારો 2.33 ટકાનો રહ્યો છે.
સપ્ટેમ્બર મહિનામાં બેંકો દ્વારા 73856 કરોડના થાપણ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યા હતા જે ઓગષ્ટમાં 56895 કરોડ તથા જુલાઈમાં 45550 કરોડ હતા. આમ બેંકોની થાપણમાં મોટી વૃદ્ધિ થઈ છે. ફંડ મેળવવા માટે બેંકો એફડી પર વધુ વ્યાજ આપવાનો માર્ગ અપનાવી રહી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે રિઝર્વ બેંકની ધિરાણનીતિ સમીક્ષા બેઠક પુર્વે જ અર્ધો ડઝન બેંકોએ ફીકસ્ડ ડિપોઝીટ (એફડી) વ્યાજદરમાં બદલાવ કર્યો હોવાનું સૂચક છે. એચડીએફસી બેંક દ્વારા 35 તથા 55 મહિનાની એફડી પરનુ વ્યાજ ઘટાડાયુ છે. બેંક જુદા-જુદા સમયની એફડી પર 7.15 ટકાનું વ્યાજ આપે છે.
કર્ણાટક બેંક દ્વારા બે કરોડથી ઓછી રકમની એફડીના વ્યાજમાં બદલાવ કર્યો છે. 7 દિવસથી 10 વર્ષની એફડી પર બેંક 7.25 ટકા સુધીનું વ્યાજ આપે છે. પંજાબ અને સિંધ બેંકે બે કરોડથી ઓછી રકમની એફડી પરના વ્યાજમાં ફેરફાર કર્યો છે. સાત દિવસથી 10 વર્ષની એફડી પર બેંક 2.80 ટકાથી 7.40 ટકા સુધીનું વ્યાજ આપે છે.
બેંક ઓફ ઈન્ડિયાએ પણ બે કરોડથી ઓછી રકમ પરના વ્યાજમાં બદલાવ કર્યો છે. બેંક, 3 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ આપે છે. ઈન્ડુસ ઈન્ડ બેંક સાત દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 3.50 ટકાથી 7.85 ટકા વ્યાજ આપે છે. સીનીયર સીટીઝનોને 8.25 ટકા આપે છે. આઈડીએફસી ફર્સ્ટ બેંકે પણ વ્યાજદરમાં બદલાવ કર્યો છે. બેંક 3થી7.50 ટકા સુધીનું એફડી વ્યાજ આપે છે.



