14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે ત્યારે મેચ પહેલા જ આમ આદમી પાર્ટીએ વિરોધનો વંટોળ શરૂ કર્યો છે
મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખીશું’, IND-PAK મેચ રદ કરવાની AAPના ધારાસભ્યની માંગ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ હાઈ પ્રોફાઈલ મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવાઈ છે. ત્યારે મેચ પહેલા જ આમ આદમી પાર્ટીએ વિરોધનો વંટોળ શરૂ કર્યો છે. AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ મેચને તાત્કાલિક બંધ કરવા માટે માગણી કરી છે અને જરૂર પડશે તો આગામી દિવસોમાં વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. AAP MLA ઉમેશ મકવાણાએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ સંબંધ રહ્યા છે. ગુજરાતમાં પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં ફાઈવ સ્ટાર હોટલમાં છે. ત્યારે જે પાકિસ્તાને હજારો શહીદોનો જીવ લીધા, શહીદનું લોહી રેડાયું છે, જેમાં ગુજરાતના પણ ઘણા લોકોનું લોહી વેરાયું છે. એક પણ દિવસ એવો નથી જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા જવાનોનો જીવ ન લીધો હોય. એક પણ દિવસ એવો નહીં હોય જ્યારે પાકિસ્તાની આતંકી ભારતમાં ન ઘુસ્યા હોય. આમ આદમી પાર્ટી ભારત-પાકિસ્તાન મેચને રદ કરવાની માગણી કરે છે.
તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, મેચ રદ નહિ કરવામાં આવે તો સ્ટેડિયમની પિચ આમ આદમી પાર્ટી દ્વારા ખોદી નાખવામાં આવશે. પાકિસ્તાન દ્વારા સરહદ પર ભારતના જવાનો પર હુમલાઓ થાય છે ત્યારે મેચ ન હોય શકે. એક હાથમાં બેટ અને એક હાથમાં બંધુક ન ચાલે. અમારી મુખ્યમંત્રી સમક્ષ માગણી છે કે ગુજરાતમાં મેચ ન રમવા દેવામાં આવે.