વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં 1500 ખેલૈયા નકલી પાસથી પહોંચ્યા, આયોજકો ચિંતામાં
રાજ્યભરમાં હાલ એકબાજુ નવરાત્રી પર ધામધૂમથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 1 વર્ષની આતૂરતા બાદ ખેલૈયાઓ પણ ઉત્સાહપૂર્વક ગરબા ગાવા માટે પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળો પર જઈ રહ્યા છે

રાજ્યભરમાં હાલ એકબાજુ નવરાત્રી પર ધામધૂમથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 1 વર્ષની આતૂરતા બાદ ખેલૈયાઓ પણ ઉત્સાહપૂર્વક ગરબા ગાવા માટે પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળો પર જઈ રહ્યા છે. આ વચ્ચે વડોદરામાં જાણીતા લક્ષ્મી વિલાસ પેલેસ દ્વારા યોજાયેલા હેરીટેજ ગરબા-2023માં કેટલાક લોકો નકલી પાસ લઈને પહોંચી ગયા. જે બાદ સિક્યોરિટી ગાર્ડ દ્વારા આ લોકોને પકડી લેવામાં આવ્યા હતા. વિગતો મુજબ, વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ દ્વારા આ વર્ષે ‘નારી તું નારાયણી દેવી’ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબાના સુંદર આયોજનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ વચ્ચે ગરબા આયોજકો નકલી પાસ મળતા ચોંકી ઉઠ્યા હતા. એન્ટ્રી પાસની કલર ઝેરોક્ષ કરાવીને 1500 જેટલા ખેલૈયાઓ ગરબામાં એન્ટર થતા સિક્યોરિટી ગાર્ડના હાથે ઝડપાઈ ગયા હતા. પાસના RFID તપાસમાં તે નકલી હોવાનું ખૂલ્યું હતું.
આટલી મોટી સંખ્યામાં ગરબાના નકલી પાસ મળતા આયોજકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે તેમણે ખુલાસો કરીને નકલી પાસ સાથે ઝડપાયા ખેલૈયાઓ સામે કાર્યવાહી કરવાની પણ સોશિયલ મીડિયાથી જાહેરાત કરી દીધી છે. અને નકલી પાસ સાથે પકડાનારા વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવાનું કહ્યું છે. જોકે હજુ સુધી આયોજકો દ્વારા કોઈ ખેલૈયા સામે ફરિયાદ કરવામાં આવી નથી.