ચાલુ સપ્તાહમાં પણ ઉનાળા જેવી ગરમી અનુભવાશે: 37થી 38 ડિગ્રી તાપમાન રહેશે
છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટ સહિત અનેક સ્થળોએ ખાસ કરીને બપોરના ભાગે ઉનાળા જેવી આકરીનો અનુભવ થઇ રહ્યો છે. અને 37 થી 38 ડિગ્રી તાપમાન થઇ જતા લોકો શિયાળાના આગમન પૂર્વે પરસેવે ન્હાય રહ્યા છે

છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટ સહિત અનેક સ્થળોએ ખાસ કરીને બપોરના ભાગે ઉનાળા જેવી આકરીનો અનુભવ થઇ રહ્યો છે. અને 37 થી 38 ડિગ્રી તાપમાન થઇ જતા લોકો શિયાળાના આગમન પૂર્વે પરસેવે ન્હાય રહ્યા છે. દરમ્યાન રાજ્ય હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ એક વાતચીત દરમ્યાન એવો નિર્દેશ આપેલ છે
કે ચાલુ સપ્તાહ દરમ્યાન પણ વરસાદની કોઇ શક્યતા નથી અને ચાલુ અઠવાડિયામાં પણ ઉનાળા જેવી જ ગરમીનો અનુભવ થશે અને ઠેરઠેર તાપમાન 37 થી 38 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. ડો. મોહંતીના જણાવ્યા અનુસાર હાલમાં જમીનની ગરમ પવનો ફુંકાઇ રહ્યો છે જેના કારણે બપોરનું તાપમાન ઉંચુ રહેવા પામે છે. દરમ્યાન ગઇકાલે રાજકોટ સહિત રાજ્યના ચાર સ્થળોએ 38 ડિગ્રી ઉપર તાપમાન નોંધાતા લોકો અકળાયા હતાં.
ગઇકાલે રાજકોટમાં 38.5 ડિગ્રી, કંડલામાં 38, ડિસામાં 38 અને ભૂજ ખાતે 38.5 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલી અને વડોદરામાં 37 ડિગ્રી તેમજ અમદાવાદ ખાતે 36.8 ડિગ્રી, ભાવનગરમાં 36.1, પોરબંદરમાં 36.2 અને સુરત ખાતે 36.5 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જો કે દરીયા કાંઠાના ગામોમાં ગરમીમાં એકંદરે રાહત રહી હતી અને દમણ ખાતે 35.8, દિવમાં 34.2, દ્વારકામાં 32.6, નલીયામાં 35 અને ઓખા ખાતે 32 ડિગ્રી તેમજ વેરાવળમાં 35.8 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.



