રાજકોટમાં ડેંગ્યુએ બે દિવસમાં બીજો ભોગ લીધો મનપા તંત્ર ઘોર નિંદ્રામાં
એરપોર્ટ રોડની અશોક સોસાયટીના 38 વર્ષના બ્રહ્મક્ષત્રિય યુવાનનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ : આરોગ્ય વિભાગ ફરી અજાણ રોગચાળાના આંકડા સામે હવે અનેક શંકાઓ દિવાળી પૂર્વે ચિંતાનો માહોલ

રાજકોટ શહેરમાં ઘણા વર્ષ બાદ ડેંગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બે દિવસમાં ડેંગ્યુએ બીજા શહેરીજનનો ભોગ લેતા તહેવારના દિવસોમાં ભય વધવા લાગ્યો છે. બે દિવસ પહેલા મવડી વિસ્તારના 31 વર્ષના પટેલ મહિલાનું ખાનગી દવાખાનામાં મૃત્યુ થયા બાદ ગઇકાલે એરપોર્ટ રોડની સોસાયટીમાં રહેતા 38 વર્ષના યુવાનનું પણ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયાની વિગતો બહાર આવી છે. રોજિંદા દિવસોની જેમ મનપાની આરોગ્ય શાખાને આ કેસ અંગે કોઇ સત્તાવાર માહિતી નહીં હોવાનું તંત્રએ જણાવ્યું છે.
મહાનગરમાં ચાલુ વર્ષે ડેંગ્યુના સત્તાવાર દર્દીઓનો આંકડો દોઢ સદી નજીક પહોંચી ગયો છે. ચીકનગુનીયાએ પણ ફિફટી કરી નાંખી છે. તો કોર્પો.ના ચોપડે હજુ સુધી ડેંગ્યુથી કોઇ અવસાન નોંધાયું નથી પરંતુ ખાનગી હોસ્પિટલમાં બે દિવસમાં બે દર્દીના ડેંગ્યુની સારવારમાં જીવ ગયા છે.
બે દિવસમાં બનેલા આ બીજા બનાવની મળેલી વિગત મુજબ વોર્ડ નં.રના એરપોર્ટ રોડ પર અશોક સોસાયટી શેરી નં. 4 આવેલી છે. ત્યાં રહેતા પ્રદિપભાઇ મહેશભાઇ વાઢેર (ઉ.વ.38) નામના બ્રહ્મક્ષત્રિય યુવાનને ચારેક દિવસ પહેલા 150 ફુટ રોડની સદ્ભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત બગડતા તેમને વધુ સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જયાં ગઇકાલે તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ગઇકાલે જ તેમની અંતિમ યાત્રા પણ નીકળી હતી.
ખાનગી હોસ્પિટલમાં થયેલા આ અવસાન અંગે મનપાના આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ આ અંગે કોઇ માહિતી નહીં હોવાનું તેઓએ કહ્યું હતું. સાથે જ પોઝીટીવ કેસના લીસ્ટમાં પણ કોઇ દર્દીનું નામ નહીં હોવાનું જણાવ્યું હતું. આમ છતાં આરોગ્ય વિભાગ ખાનગી હોસ્પિટલ અને વિસ્તારમાંથી વિગતો મેળવી રહ્યાનું પણ કહ્યું હતું.
દરમ્યાન બે દિવસમાં ડેંગ્યુએ બીજા વ્યકિતનો જીવ લેતા રોગચાળાની સ્થિતિ ખરેખર ગંભીર હોવાનું ચિત્ર ઉપસે છે. આ દર્દીના મૃત્યુનું અંતિમ કારણ ડેંગ્યુ કે શંકાસ્પદ ડેંગ્યુ હોય તો પણ તાવના નિદાન સાથે દર્દી દાખલ થયા હતા તે જ મહત્વની વાત છે. કોરોનાની જેમ દર્દીને અન્ય બિમારી હતી કે નહીં (કો-મોર્બીડ) તેની તપાસ કરવાને બદલે વધુને વધુ વિસ્તારોમાં સર્વે સહિત સઘન કામગીરી આગળ વધારે અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડી સતર્ક બનાવે તે સૌથી મહત્વનો વિષય બની રહેવો જોઇએ. અન્યથા ખાનગી દવાખાનામાંથી આવા રીપોર્ટ આવતા રહેશે તેવી પણ દિવાળી પૂર્વે ભીતિ સર્જાઇ છે.
મનપામાં આરોગ્ય વિભાગ ઉપર ડે.કમિશ્નર અને તેમની ઉપર સીધા કમિશ્નર હોય છે. આ પૂરી ટીમ અને શાસક પાંખ રોગચાળા સામે લડવા એકશન પ્લાન ભુતકાળની જેમ બનાવે અને અગ્રતા આપે તે જરૂરી છે.
રાજકોટમાં વર્ષોથી રોગચાળાના આંકડા પૂરા જાહેર ન કરવા કે શંકાસ્પદ ગણીને ફિલ્ટર કરવાની પધ્ધતિ છૂપી રહી નથી પરંતુ રોગચાળાના સાચા આંકડા કે ક્ધફર્મ અથવા શંકાસ્પદ મૃત્યુ છુપાવવાની પધ્ધતિ કેવા પરિણામો લાવી શકે છે તેનો અનુભવ કોરોના કાળમાં કોર્પો.થી માંડી સરકારને પણ થયો છે. આવા સંજોગોમાં લોકો સતર્ક રહે તે માટે વધુમાં વધુ સત્ય હકીકત જાહેર કરવી જોઇએ તેવું ખુદ ચૂંટાયેલા લોકો કહી રહ્યા છે.
તમામ લોકોએ પોતાના જીવનમાં અનુભવેલા સૌથી કપરા કાળ કોરોના વખતે મનપા કેસના આંકડા જેટલા રોજ જાહેર કરતી હતી તેનાથી અનેકગણા દર્દીઓ નોંધાતા હતા. જિલ્લામાંથી મૃત્યુના જાહેર થતા આંકડા પણ ખુબ નાના બહાર આવતા હતા. જે તે વિસ્તારમાં સંક્રમણ હોય તો નજીકના લોકોને પણ માલુમ પડતું ન હતું. આ રીતે લોકો અંધારામાં અને ભયમાં પણ રહેતા હતા. હવે ડેંગ્યુ એ કંઇ કોરોના જેવો ખતરનાક નથી પરંતુ યોગ્ય સારવાર લેવામાં ન આવે તો જીવલેણ સાબિત થાય છે. ચાલુ વર્ષે ડેંગ્યુ, ચીકનગુનીયા, મેલેરીયા સહિતના મચ્છરજન્ય રોગચાળાએ શહેરને ભરડો લીધો છે ત્યારે લોકોને વધુમાં વધુ અને સત્ય માહિતી આપવામાં આવે તે અનિવાર્ય છે.
નવરાત્રી બાદ હવે દિવાળી પણ નજીક આવી રહી છે. આ સંજોગોમાં મહાપાલિકાની આરોગ્ય શાખા લોકભાગીદારીથી મચ્છરજન્ય અને વાયરલ રોગચાળા સામે લડવા પ્લાન તૈયાર કરે તો તહેવાર પર ચિંતા ઓછી થાય તેમ છે. આ માટે ખુદ મ્યુનિ. કમિશ્નરે હવે આ કામને ટોચની અગ્રતા આપવાની આવશ્યકતા લાગે છે.
મેયર અને ચેરમેન સહિતના પદાધિકારીઓ પણ કમ સે કમ ખાનગી હોસ્પિટલ કે લેબોરેટરીમાંથી નિયમિત મનપાને રીપોર્ટ (સાચા) મળતા રહે તેવી વ્યવસ્થા કડકાઇથી અમલમાં રખાવવાની જરૂર છે. બાકી મનપાને દર્દીના અંતિમ સંસ્કાર થઇ જાય ત્યાં સુધી સાચી વિગતની ખબર પડતી નથી. તંત્ર રોગના કારણનું ઓપરેશન કરવાને બદલે નિદાન થયેલા દર્દ પરથી તાબડતોબ કાર્યવાહી શરૂ કરે તે અનિવાર્ય ગણાવાઇ રહ્યું છે.