અમદાવાદમાં દબાણ દૂર કરવાની ડ્રાઈવ દરમિયાન AMCના ઉચ્ચ અધિકારી પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની
બુધવારે સિવિલ નજીક દબાણો હટાવવાની કામગીરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ટોળાએ હુમલો કરતા તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદમાં દબાણ દૂર કરવાની ડ્રાઈવ દરમિયાન AMCના ઉચ્ચ અધિકારી પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. બુધવારે સિવિલ નજીક દબાણો હટાવવાની કામગીરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ટોળાએ હુમલો કરતા તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. વિગતો મુજબ, સિવિલ નજીક દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તંત્રની ટીમ સ્થળ પર પહોંચીને દબાણ હટાવવાનું શરૂ કરતા જ ટોળાએ મ્યુનિ. કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ માર મારતા મ્યુનિ. કમિશનર લોહીલુહાણ થઈ ગયા હતા, એવામાં તેમને SVP હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
હુમલાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બે હુમલાખોરોને બાતમીના આધારે ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઘરમાં નશાની હાલતમાં પકડાયા હતા. જેમની વિરુદ્ધ હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કામગીરી ચાલી રહી છે.