શિક્ષણ વિભાગની મદદ લઇ પોલીસ ડ્રગ્સ પેડલરો પર ધોંસ બોલાવશે
નશીલા દ્રવ્યની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે નાર્કો કો ઓર્ડીનેશન સેન્ટર કમિટીની મિટિંગ યોજાઈ

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બેઠકમાં કહ્યું, વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના રવાડે ન ચડે તેની તકેદારી શિક્ષણ વિભાગે ખાસ લેવી જોઇએ. શહેરમાં ક્યાંય પણ ચરસ, ગાંજો, અફીણ, હેરોઇનનું વેચાણ થતું હોય તો તેની જાણ પોલીસ વિભાગને કરવી
રાજકોટ શહેરમાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા, માદક દ્રવ્યોના સેવનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મુકવા તથા નાર્કોટિક્સની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે શહેર પોલીસ કમિશનરની રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં, રાજકોટ પોલીસ કમિશનરશ્રી કચેરી ખાતે નાર્કો કો ઓર્ડીનેશન સેન્ટર કમિટીની મિટિંગ યોજાઇ હતી.
આ બેઠકમાં શહેર પોલીસ કમિશનરની રાજુ ભાર્ગવે કહ્યું હતું કે, મોટા ભાગે કિશોરો -યુવાનો નશીલા દ્રવ્યોમાં સપડાતા જોવા મળે છે ત્યારે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના રવાડે ન ચડે તેની તકેદારી શિક્ષણ વિભાગે ખાસ લેવી જોઇએ. શહેરમાં ક્યાંય પણ ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન જેવા નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તેની જાણ પોલીસ વિભાગને તાત્કાલિક કરવી જોઈએ. જેથી આ દૂષણના ભરડાને ટાળવા પોલીસ કડક કાર્યવાહી કરી શકે.
આ બેઠકમાં નાર્કોટીકસ વિશેનું પ્રેઝન્ટેશન પી.પી.ટી.ના માધ્યમથી નાયબ પોલીસ કમિશનર(ક્રાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલે રજૂ કર્યુ હતું. જેમાં અવેરનેસ કેમ્પ, નશીલા દ્વવ્યોના ટ્રાફિકીંગ રૂટ, નશીલા દ્વ્યોની શારીરિક – માનસિક અસરો, પોલીસ વિભાગ દ્વારા પકડાતું ડ્રગ્સ, ડ્રગ્સને નાશ કરવાના નિયમો, વ્યસન મુક્તિ માટે નાગરિકોની ફરજો, રિહેબિલીટેશન સેન્ટર વગેરેનો સમાવેશ કરાયો હતો.
આ મિટિંગમાં ડી.સી.પી. ઝોન – 1 સજ્જનસિંહ પરમાર, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને સંદીપકુમાર વર્મા, નાયબ નિયામક વિકસતી જાતિ જે.એ.બારોટ, ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલ, એ.સી.એફ એસ.ટી. કોટડીયા, નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોના ક્રિષ્ન મોહન પ્રસાદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.