વોટીંગ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ પૂર્ણ 91 બીયુ, 173 સીયુ અને 103 વીવી પેટ ક્ષતિગ્રસ્ત નિકળ્યા મોકપોલ
માધાપરના ઈવીએમ વેર હાઉસમાં તમામ મશીનો લોક: હવે ચૂંટણીપંચના આદેશ બાદ મશીનોની જે તે જગ્યાએ થશે ફાળવણી

ચુંટણીપંચ દ્વારા આગામી લોકસભાની ચુંટણીની આરંભી દેવાયેલ તૈયારીઓમાં રાજકોટ સહિત રાજયભરમાં જીલ્લા મથકો પર વોટીંગ મશીનોના ફર્સ્ટ લેવલ ચેકીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં રાજકોટના માધાપર ખાતેના ઈવીએમ વેર હાઉસમાં બેંગ્લોરની ભેલ કંપનીના ઈજનેરોની ટીમ દ્વારા તમામ વોટીંગ મશીનો ફર્સ્ટ લેવલ ચેકીંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે.
માધાપરના આ ઈવીએમ વેરહાઉસમાં 3693 બીયુ, 3149 સીયુ અને 3500 વીવી પેટની તપાસણી ઈજનેરોની ટીમ દ્વારા કરવામાં આવી છે. આ તપાસણી દરમ્યાન 91 બીયુ, 173 સીયુ અને 103 વીવી પેટ મળી કુલ 367 મશીનો ક્ષતીગ્રસ્ત નિકળ્યા છે.
વોટીંગ મશીનોની ફર્સ્ટ લેવલ તપાસણીની કામગીરી પૂર્ણ થતા જ ગઈકાલે સાંજે જ અને આજે સવારના મોકપોલની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. ઈવીએમ વેરહાઉસમાં વોટીંગ મશીનોની કરાયેલ આ ફર્સ્ટ લેવલ તપાસણીમાં કુલ મશીનોના 3.5 ટકા મશીન ક્ષતિગ્રસ્ત નિકળ્યા છે.
ઈવીએમ-વીવી પેટની ફર્સ્ટ લેવલ ચકાસણી પૂર્ણ થતા 10 હજારથી વધુ આ મશીનો ઈવીએમ વેરહાઉસમાં લોક કરી દેવામાં આવેલા છે. હવે ચુંટણીપંચ કહેશે ત્યારે જે તે જગ્યા પર આ વોટીંગ મશીનોની ફાળવણી કરવામાં આવશે.



