ગુજરાતમાં એક જ દિવસમાં હાર્ટએટેકથી 8 લોકોના મોત
રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટએટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થયો જ છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 8 લોકોએ હૃદયરોગના હુમલાથી જીવ ગુમાવ્યો હતો. સુરત-ભાવનગરમાં 3-3 તથા વડોદરામાં બે લોકોના હાર્ટએટેકથી મોત નિપજયા હતા

રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટએટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થયો જ છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 8 લોકોએ હૃદયરોગના હુમલાથી જીવ ગુમાવ્યો હતો. સુરત-ભાવનગરમાં 3-3 તથા વડોદરામાં બે લોકોના હાર્ટએટેકથી મોત નિપજયા હતા. રાજયમાં હાર્ટએટેકથી રોજના 3-4 લોકોના મોત સામાન્ય બની જ ગયા છે ત્યારે રવિવારે એક જ દિવસમાં આઠ લોકોના જીવ ગયા હતા.
સુરતમાં પણ એક જ દિવસે 3 લોકોના મોત થયા આ વિગતો મુજબ અમરોલીમાં 23 વર્ષીય યુવક સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયુ છે. આ સાથે પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિ સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે.
વિગતો મુજબ સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. આ તરફ સુરતના વરાછાના 43 વર્ષીય મહેશ ખાંમ્બરનું મૃત્યુ થયું છે. માહિતી પ્રમાણે અગાઉ હાર્ટ એટેક આવ્યા બાદ ફરીથી હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ભાવનગરમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિગતો મુજબ 40 વર્ષીય જગદીશ જાદવનું હાર્ટ એટેકથી મોત તો 58 વર્ષીય લક્ષ્મણદાસ આસવાણીનું પણ હાર્ટ એટેકથી મોત થયું. આ સાથે રાજુલાથી ભાવનગર આવતા સમયે ઉમેશ માંડલિયા નામના વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. જેને લઈ મૃતકોના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
વડોદરાના એક યુવકનું વિદેશમાં હાર્ટ એટેકથી મોત થયું છે. વડોદરાના નાગરવાડા વિસ્તારના પ્રકાશ ચૌહાણને કુવૈતમાં હાર્ટ એટેક આવ્યો હતો. પ્રકાશ કામ કરતા સમયે જ અચાનક જ ઢળી પડ્યો હતો. તેના મોતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માહિતી મુજબ દરજી કામ કરતો પ્રકાશ ચૌહાણ ઘણા સમયથી કુવૈતમાં સ્થાયી થયો હતો. હવે કુવૈતથી ચાર્ટર્ડ પ્લેન મારફતે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.