દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રાજયના શરાબ કાંડ મુદ્દે ઇડીનું સમન્સ ફગાવ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ વિભાગ કેજરીવાલને નવું સમન્સ પાઠવે તેવા સંકેત
સુપ્રિમ કોર્ટે જ શરાબ કાંડની તપાસ ઝડપી કરવા કહ્યું છે : કેજરીવાલને જણાવાશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ રાજયના શરાબ કાંડ મુદ્દે ઇડીનું સમન્સ ફગાવ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ વિભાગ કેજરીવાલને નવું સમન્સ પાઠવે તેવા સંકેત છે અને તે આગામી સપ્તાહમાં જ કેજરીવાલને હાજર થવું પડે તે નિશ્ચિત કરશે.
ગઇકાલે ઇડી સમક્ષ હાજર થવાને બદલે તેમની સામેના સમન્સ સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા એટલું જ નહીં રાજનીતિ પ્રેરીત હોવાનું જણાવ્યું હતું. સમન્સ પાછું ખેંચી લેવા પણ માંગણી કરી હતી.
હવે કેજરીવાલના પત્ર પર ઇડીનું કાનુની વિભાગ વિચારણા કરી રહ્યું છે અને ઇડીએ જણાવ્યું છે કે, શરાબ કાંડમાં તપાસ શકય તેટલી ઝડપી પુરી કરવા સુપ્રિમ કોર્ટનો આદેશ છે અને તે પ્રક્રિયા માટે કેજરીવાલની પુછપરછ જરૂરી છે.
એજન્સીના સુત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલે જે પાંચ રાજયોની ચૂંટણીનું બહાનું આપીને પોતે વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું તે અંગે પણ કાનુની માર્ગદર્શન અપાશે અને ખાસ કરીને ગોવાની ચૂંટણીમાં આપ દ્વારા જે રીતે શરાબ કાંડના ભંડોળનો ઉપયોગ કરાયો તે માહિતી બહાર આવી છે તે પછી ઇડી તેની જડ સુધી પહોંચવા માંગે છે.
સુપ્રિમ કોર્ટે પણ અગાઉ જે ટીપ્પણી કરી હતી ‘આપ’ જો ભંડોળનો ઉપયોગ કર્યો હોય તો તેની પણ પુછપરછ થવી જોઇએ અને નાતે અરવિંદ કેજરીવાલની પુછપરછ થશે તેવું ઇડીએ નિશ્ર્ચિત કર્યુ છે. ઇડીના સુત્રોએ જણાવ્યું કે અમે અત્યંત સાવધાનીથી આ કેસમાં તપાસ કરી રહ્યા છીએ અને કોઇ રાજકીય મુદો તેમાં આવતો નથી.



