કુછ દિન તો ગુઝારો ગુજરાત મે દિવાળીની રજાઓમાં રાજ્યના 18 પ્રવાસન સ્થળોએ 42 લાખ મુલાકાતીઓ ઉમટ્યા
સૌથી વધુ ત્રણ લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સાસણ ગીરમાં 70 હાજર પ્રવાસીઓ ઉમટ્યા

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. તાજેતરમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યમાં પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, 11થી 20 નવેમ્બર સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.
આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રૉપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.
1. સ્ટેચ્યુ ઑફ યુનિટી 3,03,894
2. સ્મૃતિ વન – ભુજ 36,391
3. સીમાદર્શન – નડાબેટ 57,948
4. ગિરનાર રૉપ-વે – જુનાગઢ 59,307
5. સાસણગીર અને દેવળીયા પાર્ક 70,634
6. દાંડી સ્મારક – નવસારી 27,972
7. સૂર્ય મંદિર – મોઢેરા 31,969
8. રાણ કી વાવ – પાટણ 36,659
9. સોમનાથ મંદિર 4,87,974
10. અંબાજી મંદિર 6,35,760
11. પાવાગઢ મંદિર 5,25,410
12. દ્વારકા મંદિર 6,18,460
13. સાયન્સ સિટી – અમદાવાદ 83,111
14. અટલ બ્રિજ – અમદાવાદ 1,81,692
15. કાંકરિયા તળાવ – અમદાવાદ 4,45,144
16. વડનગર – ઐતિહાસિક નગર 46,453
17. ડાયનાસૌર પાર્ક – બાલાસિનોર 7,678
18. અમદાવાદ રેલ-મેટ્રો 6,19,496
વર્ષ 2023-24ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં 346%નો વધારો કરવામાં આવ્યો છે. હેરિટેજ અને ઇકો ટુરિઝમ માટે રૂ.10 હજાર કરોડ સૂચિત કરવામાં આવ્યા છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રધ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે રૂ.2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.
તાજેતરમાં, ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી.