ફિલ્મી સ્ટાઇલમાં કર્મચારી પર જુલ્મ કરનાર વિભુુતિ પટેલ સહિતના ફરાર
મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર માંગવા ગયેલા યુવાનને માર મારી મોઢામાં પગરખું મૂકયું હતું: ભાઇઓ, મેનેજરની શોધખોળ: એસસીએસટી સેલ દ્વારા તપાસ

મોરબી રવપર ચોકડી આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતાં યુવાનને તેનો પગાર ન આપી ઓફિસે બોલાવીને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 વ્યક્તિઓ દ્વારા ફડાકા મારીને તેમજ કમરે બંધવાના પટ્ટા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો આટલું જ નહીં વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ ફરિયાદી યુવાનને મોઢામાં લેવડાવીને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો જેથી યુવાને ગઇકાલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી
જેના આધારે પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે પણ આ ગંભીર ગુનામાં હજુ સુધી કોઈ આરોપી પકડાયેલ નથી. સિરામિક સિટી તરીકે જગવિખ્યાત બનેલ મોરબી શહેર જાણે કે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવો ઘાટ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને પોલીસનો સહેજ પણ દર નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ગઇકાલે મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (21)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે.
બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. તેને રાણીબા ના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે તેવી જાહેરાત જોઈ હતી જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો અને ગત તા. 2 ઓક્ટોબર થી તા. 18 ઓક્ટોમ્બર સુધી તેને ત્યાં કામ કર્યું હતું જેનો પગાર તેને આપવામાં આવ્યો ન હતી. યુવાને પગાર માટે વિભૂતિ પટેલને ફોન કર્યો હતો ત્યારે તેને ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો ત્યારબાદ વિભૂતિ પટેલના ભાઈ સાથે પગાર બાબતે વાત થઇ હતી અને તેને કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવતા નિલેશભાઈ તેના ભાઈ અને મિત્ર સાથે ઓફિસે ગયા હતા
ત્યારે આરોપી ડી.ડી. રબારીએ ફરિયાદી સાથે આવેલ મિત્રને ફડાકો મારી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું અને ઓમ પ્રકાશ, રાજ પટેલ અને ઓફિસના મેનેજર પરીક્ષિતે નિલેશભાઈને વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ જઈને ત્યાં તેને વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમરે બંધવાના પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં ફરિયાદી યુવાને ફરિયાદમાં લખાવ્યું છે કે, વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ તેને મોઢામાં લેવડાવી અપમાનિત કરેલ છે તેમજ રાજ પટેલે બળજબરી પૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો વિડીઓ ઉતારી લઈને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત બાર વ્યક્તિઓની સામે આઇપીસી કલમ 323, 504, 506 તેમજ રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ બનાવની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એ.ઝાલા કરી રહ્યા છે અને ગત તા 22/11 ના રોજ રાતે 8:30 કલાકે બનાવ બનેલ છે જેનીન તા 23/11 ના રોજ સવારે 4:30 કલાકે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જો કે, હજુ સુધી આ ગુનામાં આરોપી વિભૂતિ પટેલ કે પછી બીજા કોઈ પણ આરોપી પકડાયેલ નથી.