ગુજરાત

આધારકાર્ડ, જન્મ-મરણ લગ્ન નોંધણી સહિતના વિભાગોના કર્મચારીઓને કેમ્પમાં હાજર થવાના ઓર્ડર : બપોર સુધી ટેબલ-ખુરશી ખાલી : અરજદારોને કલાકોની પ્રતિક્ષા

દાખલાની પ્રિન્ટ કાઢનારૂ પણ કોઇ ન હતું વિભાગોમાં માત્ર અધિકારીઓ હાજર આજે તો સવારે 9.30માં હાજર થઇ જવા હુકમ હતો : રોજિંદી કામગીરીને અસર

વિકસીત ભારતની કલ્પના સાથે કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં મહાપાલિકા દ્વારા પણ તા.28-11થી 15-12 સુધીની સંકલ્પ યાત્રા દરેક વોર્ડમાં રોજ બે જુદા જુદા રૂટ પર ચાલી રહી છે. તેમાં આજે વોર્ડ નં.13માં પુનીતનગર ટાંકા પાસેના કાર્યક્રમમાં વડાપ્રધાનના વર્ચ્યુઅલ ઉદબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

જેમાં મહાપાલિકાના તમામ ચૂંટાયેલા લોકો, ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પરંતુ આ કાર્યક્રમમાં મોટી સંખ્યા અને મોટા કામના પ્રચારમાં તંત્ર વ્યસ્ત બની જતા કાયમી ધોરણે નાગરિકો જયાં જુદી જુદી કામગીરી માટે આવે છે તે ત્રણે ઝોનના નાગરિક સુવિધા કેન્દ્રો અને આધાર કેન્દ્રો રેઢાપડ જેવી હાલતમાં આવી ગયા હતા.

દિવાળી બાદના ધોકાના દિવસે સરકારે કર્મચારીઓને રજા આપી હતી જે આજે બીજા શનિવારે ભરવાની હતી. પરંતુ કર્મચારીઓ કેમ્પમાં ચાલ્યા ગયા હોય, લોકોને તો આજે પણ ધોકાનો અનુભવ થયો હતો.

કર્મચારીઓ અને અધિકારીઓને યાત્રામાં જોડાવવા માટે ખાસ હુકમો બહાર પાડવામાં આવ્યા છે. તેમાં આજે તો ખાનગી એજન્સીના ઓપરેટર સહિતના સાડા ચારસો જેટલા કર્મચારીઓને પણ યાત્રામાં લઇ જવાતા બપોરે મોડે સુધી સેંકડો નાગરિકોને લાઇનમાં બેસવું પડયું હતું. જન્મ-મરણ, આધાર કાર્ડ, લગ્ન નોંધણી સહિત જુદી જુદી શાખાઓમાં પણ કર્મચારીઓની હાજરીના બદલે ઉડે ઉડે જેવો માહોલ દેખાતો હતો.

કોર્પો. દ્વારા સંકલ્પ યાત્રા દરેક વોર્ડમાં બે સમય યોજવામાં આવે છે. લોકોના જુદા જુદા સરકારી કામો ઘર આંગણે થતા હોય મોટી સંખ્યામાં નાગરિકો લાભ પણ લઇ રહ્યા છે. લોકો માટે આ ખુબ સરળ વ્યવસ્થા છે પરંતુ જે વિસ્તારમાં કેમ્પ હોય તે સિવાયના હજારો નાગરિકો તો રોજબરોજની કામગીરી માટે જે તે ઝોન કચેરીના સિવિક સેન્ટરમાં જ આવે છે. સૌથી વધુ ભીડ આધાર કેન્દ્રોમાં રહેતી હોય છે. તે બાદ જન્મ-મરણ, વેરા જેવી કામગીરી માટે અરજદારો આવે છે. સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે લગ્ન નોંધણીની કામગીરી કરવામાં આવે છે.

હવે જયાં સૌથી વધુ લોકો આવે છે તે આધાર કેન્દ્રમાં પણ કામ ધીમુ પડી ગયું છે. જુદા જુદા વોર્ડમાં કેમ્પ દરમ્યાન આધાર કાર્ડનું કામ કરવા માટેની કીટ તો કોર્પો. કચેરીમાંથી જ લઇ જવામાં આવે છે. એટલે કે કોર્પો.માં કામ ઘટાડીને કેમ્પમાં કરવું પડે છે. કચેરીમાં કીટની સંખ્યા ફિકસ છે. આજે આ કેન્દ્રમાંથી પણ કીટ સાથે ઓપરેટરો લઇ જવાતા ઠંડકમાં આવેલા અરજદારોનો સમય બગડયો હતો. એકાદ બે ઓપરેટર કામ કરતા હતા. એક દંપતિ તો છ-છ મહિનાના બાળકને ખોળામાં લઇને વેઇટીંગમાં બેઠેલુ જોવા મળ્યું હતું.

અન્ય એક મહત્વની કામગીરી મનપામાં જન્મ-મરણના દાખલાની થાય છે. વર્ષોથી આ કામગીરી વોર્ડ ઓફિસે લઇ જવાની ડીજીટલ વાતો વચ્ચે નાગરિકોને હજુ સુવિધા કેન્દ્રમાં જ લાઇનમાં ઉભુ રહેવું પડે છે. આજે સવારથી ઓપરેટરોને કેમ્પમાં બોલાવી લેવાયા હોય, દાખલાનું કામ માંડ માંડ થતું હતું. નાગરિકો પોતાની નજરે ખાલી ખુરશી ટેબલ જોઇને આશ્ચર્યમાં મુકાતા હતા. બાદમાં કકળાટ થતા મોડેથી ઓપરેટરોને પરત બોલાવવામાં આવ્યા હતા. મશીનરી પણ બાદમાં ફરીથી ફીટ કરવામાં આવી હતી.

લગ્ન નોંધણી વિભાગમાં પણ દરરોજ ભીડ હોય છે. આ સેવા પણ વોર્ડ ઓફિસે લઇ જવાના ફાંકા વચ્ચે ઝોન ઓફિસે પણ કોઇ વ્યવસ્થા નથી. અહીં પણ આજે સમય કાઢીને આવેલા લોકોને કર્મચારીઓ કરતા ખાલી ટેબલો વધુ દેખાતા હતા. કર્મચારીઓ વગર વિભાગના વડા બેઠા હતા અને સ્ટાફ કયારે કેમ્પમાંથી પરત આવે તેની રાહ જોતા હતા.

આ સિવાય સોલીડ વેસ્ટ વિભાગ, આવાસ, બાંધકામ, ટીપી જેવી શાખામાંથી પણ કર્મચારીઓને કેમ્પમાં લઇ જવાયા હતા. સરકારની સુચના મુજબ આ વ્યવસ્થા જરૂરી ગણાવવામાં આવી રહી છે. પરંતુ રોજ જયાં હજારો લોકો આવતા હોય એ નાગરિક સુવિધા કેન્દ્રની સિસ્ટમ ભાંગીને કેમ્પમાં કામ કરવાથી કામ રઝળી પણ રહ્યા છે. વળી કેમ્પમાંથી પણ એવી ફરિયાદો આવે છે કે આધાર જેવા કામ માટે આવેલા લોકોને સમય પુરો થઇ ગયો કહીને પરત મોકલી દેવામાં આવે છે.

ટોકન આપ્યા બાદ પણ વારો આવતો નથી. વાસ્તવમાં કેમ્પમાં સમયે આવી ગયેલા તમામ નાગરિકના કામ થવા જોઇએ, જે કર્મચારીઓ પુરૂ કરતા નથી. આ ફરિયાદ પણ પદાધિકારીઓ પાસે પહોંચી છે. એકંદરે આજે તો જુદા જુદા વિભાગમાં ફરી ‘ધોકા’ની રજા જેવો માહોલ હતો.

મહાપાલિકાની સંકલ્પ યાત્રાઓમાં નકકી થયેલી જવાબદારી મુજબ કર્મચારીઓ અને અધિકારીઓની હાજરી ઓછી દેખાતી હોય, આજે સ્ટે.કમીટીની મીટીંગમાં ચેરમેન જયમીન ઠાકરે આ અંગે નારાજગી દર્શાવી વહીવટી પાંખને કાર્યક્રમમાં સમયસર હાજર રહેવા સૂચના આપી છે.

દરેક વોર્ડમાં સવાર-સાંજ બે ભાગમાં યોજનાકીય કેમ્પ પણ આ યાત્રા સાથે યોજાઇ રહ્યા છે. જે તે વોર્ડમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે 9.30 કલાકે પહોંચવાનું હોય છે. પરંતુ ઘણા વોર્ડમાંથી ગેરહાજરી દેખાઇ છે. આવું લીસ્ટ લાંબુ થતા તે બાબત ચેરમેનના ધ્યાને આવી હતી. આજે મીટીંગ બાદ તેમણે જણાવ્યું હતું કે કમિશ્નરની સૂચના અને વ્યવસ્થા મુજબ જે તે કર્મચારીઓએ સમયસર હાજર રહેવાનું હોય છે. હજુ તા.1પ સુધી યાત્રા ચાલવાની છે ત્યારે તમામ સ્ટાફને સમયે લોકોના કામ માટે હાજર રહેવા જણાવ્યું છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button