નવા સપ્તાહનો પ્રારંભ જ ‘ગ્રીન ઝોન’માં:યાદગાર કેલેન્ડર વર્ષ
નવી નવી ઉંચાઈ સર કરતુ માર્કેટ: સરકારી કંપનીઓનાં શેરો, બેંક, આઈટી શેરો વધુ ઝળકયા

ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીના કારણે નવા નવા સીમાચિન્હ રચાતા હોય તેમ આજે સેન્સેકસે 70,000 ની સપાટી પાર કરી હતી. નિફટીએ ગત સપ્તાહમાં જ 21000 ની ઉંચાઈ આંબી લીધી હતી. આ સાથે શેરબજારનું માર્કેટ કેપ પણ 350 લાખ કરોડના રેકોર્ડસ્તરે પહોંચી ગયુ હતું. ભારતીય અર્થતંત્ર ફુલગુલાબી બની રહેવાના તથા વિકાસદર અંદાજ કરતાં પણ ઝડપી અને સારો રહેવાના આશાવાદથી સારી અસર હતી.
આજે શરૂઆત જ પ્રોત્સાહક ટોને થઈ હતી. વિશ્વ બજારોની જંગી ખરીદી ચીનની આર્થિક નબળાઈથી અર્થતંત્ર ક્ષેત્રે ભારતને લાભ જાળવવાનાં આશાવાદ જેવા કારણોની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે શેરબજારની વર્તમાન તેજી મજબુત ફંડામેન્ટલ આધારીત છે. અને લાંબી ચાલવાના આશાવાદને કારણે નાના રીટેઈલ ઈન્વેસ્ટરો જંગી નાણા ઠાલવી રહ્યા છે અને તેને પરીણામે નવા નવા રેકોર્ડ રચાઈ રહ્યા છે.
શેરબજારમાં આજે મોટાભાગનાં શેરો લાઈટમાં હતા.બેંક, આઈટી. સરકારી કંપનીઓનાં શેરો વધુ મજબુત હતા. બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેકનો, ઈન્ડૂસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, નેસલે, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ઓએનજીસી,કોલ ઈન્ડીયા જેવા શેરોમાં ઉછાળો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ આજે ઈતિહાસમાં પ્રથમ વખત 70,000 ને પાર કરી ગયો હતો. સેન્સેકસ ઉંચામાં 70048 તથા નીચામાં 69797 હતો.
120 પોઈન્ટનો સુધારો સુચવતો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 32 પોઈન્ટનાં ઉછાળાથી 21001 હતો તે ઉંચામાં 21019 તથા નીચામાં 20923 હતો. શેરબજારમાં તેજી પુરબહારમાં છે અને નવા નવા ઈતિહાસ બની રહ્યા છે ત્યારે માર્કેટ કેપ પણ નવી ઊંચાઈએ પહોંચી ગયુ છે. મુંબઈ શેરબજારનું માર્કેટ કેપ 350 લાખ કરોડથી વધુ થઈ ગયુ હતું આજે એક લાખ કરોડથી વધુની વૃધ્ધિ થઈ હતી. જાણકારોના કહેવા મુજબ એસઆઈપીઓ રોકાણ રેકોર્ડસ્તરે ઠલવાતું હોવાના કારણોસર નાના ઈન્વેસ્ટરો મોટુ રોકાણ કરતા હોવાનું ચિત્ર છે.



