ઓરેવાના MD વતી હાઈકોર્ટમાં દલીલ લોકોએ પુલને ઝુલાવવા-હચમચાવવાનું શરૂ કરતા દુર્ઘટના સર્જાઈ જામીન માટેની અપીલ પર દલીલો
તેઓએ દલીલ કરી કે દિપાવલીમાં લોકોને પુલ પર ભારે ધસારો થયો તો ચાર્જશીટમાં દર્શાવ્યા મુજબ પુલ પર તે સમયે 200-300 લોકો હતા.

ઓરેવાના MD વતી હાઈકોર્ટમાં દલીલ : લોકોએ પુલને ઝુલાવવા-હચમચાવવાનું શરૂ કરતા દુર્ઘટના સર્જાઈ : જામીન માટેની અપીલ પર દલીલો અમદાવાદ: મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં હવે આ પુલના રીપેરીંગ તથા જાળવણી અને સંચાલન માટે જવાબદાર સૌરાષ્ટ્રના જ પ્રખ્યાત ઓરેવા ગ્રુપ વતી એવી દલીલ થઈ હતી કે પુલ દુર્ઘટના માટે જે તે સમયે પુલ પરના લોકો પણ જવાબદાર છે.
ઓરેવાના એમડી જયસુખ પટેલ હાલ આ કેસમાં જેલમાં છે. તેઓની જામીન અરજી પર છેક સુપ્રીમ સુધી સફળતા મળી નથી. તેઓ વતી તેમના ધારાશાસ્ત્રીએ રજુ કરેલી દલીલમાં જણાવ્યું કે આ દુર્ઘટના અને તેમાં જે જાનહાની થઈ તેના પર તમો ખૂબજ દિલગીરી અને ગ્લાની અનુભવે છે અને આ દુર્ઘટનામાં તેઓ પણ ખૂબજ વ્યથિત બન્યા છે પણ આ દુર્ઘટના માટે લોકો પણ જવાબદાર છે. જેઓએ પુલને ખૂબજ બેદરકારી દાખવીને સતત ઝુલાવ્યો હતો.
તેમના ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાવટીએ જણાવ્યું કે, આ દુર્ઘટના પુરી જવાબદારી ઓરેવા પર જ નાખવામાં આવી રહી છે પણ તેવું નથી. તેમના પર વધુમાં વધુ બેકાળજી રાખવાનો આરોપ મુકી શકાય પરંતુ જયાં સુધી ટ્રાયલ પુરી થાય નહી ત્યાં સુધી જયસુખ પટેલને જેલમાં બંધ રાખી શકાય નહી. ઉપરાંત તેમની સામેના કેસમાં તેઓને આજીવન કારાવાસ કે મૃત્યુદંડ થઈ શકે તેવી કલમો પણ નથી તે સમયે તેમને જેલમાં રાખવાથી કોઈ લાભ નહી થાય.
તેઓએ દલીલ કરી કે દિપાવલીમાં લોકોને પુલ પર ભારે ધસારો થયો તો ચાર્જશીટમાં દર્શાવ્યા મુજબ પુલ પર તે સમયે 200-300 લોકો હતા. તે સમયે જયસુખભાઈ હાજર ન હતા પણ ટિકીટ આપનાર તેમના સ્ટાફે કોઈપણ રીતે લોકોનો ધસારો નિહાળીને વધુ ટિકીટ વેચી નાખી જે પુલની ક્ષમતા કરતા વધુ હતા અને તેમાં અનેકે પુલને હચમચાવવાનું અને ઝુલાવવાનું શરૂ કર્યુ તેથી પુલ તૂટી પડયો અને તેથી પુલ દુર્ઘટનામાં તે એક ફેકટર પણ છે.
આ પ્રકારના કૃત્યને મોટર એકસીડેન્ટ કલેમમાં બેકાળજી જેવું ગણી શકાય. જો કે પિડિતો વતી રજૂ થયેલા ધારાશાસ્ત્રી રાહુલ શર્માએ આ દલીલો સામે જવાબ આપતા કહ્યું કે જયસુખ પટેલને પુલના નબળા કામ અંગે જાણતા હતા.
2018માં તેઓએ જ મોરબી નગરપાલીકાને પત્ર લખીને પુલ ઉપયોગમાં લઈ શકાય તેવો નથી તેવું જણાવ્યું હતું છતાં પણ રીપેરીંગના નામે કલર તથા વેલ્ડીંગ કરીને તેને નબળો રહેવા દીધો.