સંસદ ભવનની સુરક્ષામાં છીંડુ પાડવાની સનસનીખેજ કિસ્સામાં તપાસ હવે દિલ્હીથી માંડી કર્ણાટક સુધી 6 રાજયોમાં ફેલાઈ છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 16 ડિસેમ્બરની ઘટનામાં આ પાંચ લોકોની સાથે સાથે અન્ય લોકો હોવાની પણ આશંકા છે.

સંસદ ભવનની સુરક્ષામાં છીંડુ પાડવાની સનસનીખેજ કિસ્સામાં તપાસ હવે દિલ્હીથી માંડી કર્ણાટક સુધી 6 રાજયોમાં ફેલાઈ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 13 ડિસેમ્બર ગુરુવારની ઘટના બાદ ફરાર મુખ્ય કાવતરાખોર લલિત ઝાની ગુરુવારે મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. પોલીસ લલિતના સહયોગી મહેશની પણ ધરપકડ કરીને પુછપરછ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 16 ડિસેમ્બરની ઘટનામાં આ પાંચ લોકોની સાથે સાથે અન્ય લોકો હોવાની પણ આશંકા છે. આ લોકો દિલ્હીની બહારના લોકો સાથે પણ સંપર્કમાં હતા એટલે ઘટનાવાળા દિવસે સંસદ ભવનની આસપાસના ડંપ ડેટા (કેટલા ફોન કોલ થયા) અને આઈપીડીઆરની તપાસ થશે. આરોપીઓના ફોન નંબરની આઈપીડીઆરથી ઈન્ટરનેટનો વપરાશ વગેરેની જાણકારી મળશે અને તેના આધારે પુછપરછ થશે.
લલિત ઝાએ પુછપરછમાં જણાવ્યું હતું કે, તે દેશમાં અરાજકતા ફેલાવવા માંગતો હતો પણ પોલીસના દબાણમાં તે શરણે થયો હતો. ખરેખર તો પશ્ચિમ બંગાળમાં પોલીસ લલિતના ઘેર ગઈ હતી અને ગુરૂગ્રામમાં વિકાસ શર્માને પણ પોલીસે દબોચી લીધો હતો તે સતત આ ઘટનાક્રમ પર નજર રાખતો હતો.
ઘટનાનો કથિત કાવતરાખોર લલિત મોહન ઝાના મોટા ભાઈ શંભુ ઝાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પુરો પરિવાર હજુ પણ આઘાતમાં છે. લલિત ખાનગી શિક્ષક હોવાની સાથે એક એનજીઓ સાથે જોડાયેલો હતો. અમે ટીવી ચેનલો પર તસ્વીરો જોઈને સ્તબ્ધ છીએ.
સંસદમાં ઘુસણખોરીની દેશને ખળભળાવનારી ઘટનાક્રમની કડીઓ જોડવા માટે 150થી વધુ પ્રશ્નોની યાદી તૈયાર કરાઈ છે. આ બધા પ્રશ્નોના ઉતર બધા પાંચ આરોપીઓ પાસેથી લેવામાં આવશે.
ત્યારબાદ આરોપીઓનો આમનો-સામનો કરવામાં આવશે. હજુ સુધી ચાર આરોપીઓના નિવેદનમાં કોઈ વિરોધાભાસ નથી આવ્યો. આ મામલે દિલ્હીથી માંડીને હરિયાણા, રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી તપાસ કરવામાં આવશે.



