લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના શરૂ થઈ ચૂક્યા છે
આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપી વિસાવદરની બેઠક ખાલી કરી હતી. તો હવે મધ્ય ગુજરાતની એક બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યાં છે.

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના શરૂ થઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપી વિસાવદરની બેઠક ખાલી કરી હતી. તો હવે મધ્ય ગુજરાતની એક બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકની હેટ્રિક તે પણ દરેક બેઠક પાંચ લાખથી વધુ મતથી જીતવાનો સંકલ્પ પાર પાડવા ઓપરેશન લોટસ સોળે કળાએ ખિલ્યું છે અને ઠંડીની સિઝનમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. દસથી બાર વાગ્યાનો સમય કૉંગ્રેસ માટે અમંગળ સાબિત થાય તેવી શક્યતા છે. કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે તેની જાણકારી હોવા છતા પણ રાજનીતિ જો અને તો સાથે જોડાયેલી હોય છે ત્યારે એબીપી અસ્મિતા હાલ તો આ નામ જાહેર નથી કરી રહ્યું. પરંતુ સત્તાવાર પુષ્ટી થતા જ તે નામ ચોક્કસથી આપને જાણવા મળશે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ 182 બેઠકો વાળી વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 181 થયું છે. જે 31 ડિસેમ્બર પહેલા વધુ ઘટશે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે.



