અયોધ્યામાં દિવ્ય, ભવ્ય અને નવ્ય મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે હવે એક મહિનાનો સમય બચ્યો છે ત્યારે યોગી સરકાર આ સમારોહને લઈને ભવ્ય પૂર્વાભ્યાસ કરાવવા જઈ રહી છે.
ફુલોથી સજાશે ચારેય પથ એરપોર્ટના માર્ગે પણ થશે ડેકોરેશન મોદી હજારો કરોડની યોજનાઓની ભેટ આપશે અયોધ્યાને ઠીક એવી રીતે સજાવાશે, જેવી રીતે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સજાવાશે

અયોધ્યામાં દિવ્ય, ભવ્ય અને નવ્ય મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા માટે હવે એક મહિનાનો સમય બચ્યો છે ત્યારે યોગી સરકાર આ સમારોહને લઈને ભવ્ય પૂર્વાભ્યાસ કરાવવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં 30 ડિસેમ્બરે અયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનના ઉદઘાટનના અવસરે સાજ સજાવટની વ્યવસ્થા ઠીક એવી થશે જેવી 22 જાન્યુઆરીએ પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કરવામાં આવશે. સીએમ યોગીએ ગ્રાન્ડ રિહર્સલની તૈયારી કરવાનો નિર્દેશ આપ્યો છે.
વડાપ્રધાન મોદી આગામી 30મી ડિસેમ્બરે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ભવ્ય રેલવે સ્ટેશન સહિત હજારો કરોડની યોજનાઓની ભેટ આપશે. તેને લઈને મુખ્યમંત્રીએ ગુરુવારે જ અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેમણે રાજયના મુખ્ય સચિવને નિર્દેશ કર્યો છે કે 30 ડિસેમ્બરે વડાપ્રધાનના કાર્યક્રમો દરમિયાન અયોધ્યાને ઠીક એવી રીતે સજાવવામાં આવશે જેવી 22 જાન્યુઆરીને લઈને તૈયારી છે.
અયોધ્યાના ચાર મુખ્ય માર્ગ (રામ પથ, ભક્તિ પથ, જન્મભૂમિ પથ અને ધર્મ પથ)ને આકર્ષક રીતે ફુલોથી સજાવવામાં આવશે. ફુટપાથ પર સુંદર ફુલોના કુંડા મુકવામાં આવશે. રામપથની ફુટપાથ અને મુખ્ય કેરેજની વચ્ચે આકર્ષક રેલીંગ લગાવવાનો યોગીએ નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ નિર્દેશ કર્યો છે કે વડાપ્રધાનની મુલાકાતને પ્રાણ પ્રતિષ્ઠા ક્ષેત્ર કાર્યક્રમના ગ્રાન્ડ રિહર્સલ તરીકે કરવામાં આવે.
રામોત્સવ 2024ની તૈયારીમાં લાગેલી યોગી સરકાર આ મહિનામાં માત્ર અયોધ્યાને નહીં, બલકે પુરા રાજયને રામમય બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. માનવામાં આવે છે કે 30 ડિસેમ્બરથી અયોધ્યામાં ઉત્સવોની શરૂઆત થઈ જશે.
દ્ ત્રેતા યુગમાં રામ-રાવણ યુદ્ધ સમયે લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે ભકત હનુમાન સંજીવની લાવીને આર્યાવર્તનો શોક દુર કરી સનાતનીઓને આનંદથી ભરી દીધા હતા. આધુનિક ભારતમાં પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ જયારે અયોધ્યામાં રામમંદિરના પુન:નિર્માણથી સનાતનીઓનો સંતાપ દુર થયો છે તો આ આનંદને કાયમી રાખવા માટે કાશીના દ્રવિડ બંધુ હનુમાન બન્યા છે.
પંડિત ગણેશશાસ્ત્રી દ્રવિડે રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ‘સંજીવની’ મુહુર્ત કાઢયું છે. કાશીના રામઘાટ સ્થિત વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલયના દ્રવિડ બંધુઓએ 22 જાન્યુઆરીનું જે મુહુર્ત કાઢયું છે તેને મહાકવિ કાલિદાસે પોતાની કૃતિ ‘પૂર્વ કાલામૃત’માં સંજીવની મુહુર્ત નામ આપ્યું છે.
આ મુહુર્તની વિશિષ્ટતા એ છે કે કોઈપણ મુહુર્તમાં દોષ ઉત્પન્ન કરનાર પાંચ બાણ અર્થાત રોગ બાણ, મૃત્યુ બાણ, રાજ બાણ, ચોર બાણ અને અગ્નિ બાણમાંથી કોઈ બાણ સંજીવની મુહુર્તમાં નહીં રહે. પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જણાવ્યું હતું કે આ પાંચેય ખાણો પોતાના નામને અનુરૂપ પ્રતિકુળ પ્રભાવ છોડે છે.



