રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડમાં મુખ્ય શૂટર રોહિતસિંહ રાઠોડના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસની તપાસ જયપુર પોલીસ પાસેથી લઈને NIAને સોંપવામાં આવી છે. NIA સમક્ષ સૌથી મોટો પડકાર રોહિત ગોદારા સુધી પહોંચવાનો છે,

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડમાં મુખ્ય શૂટર રોહિતસિંહ રાઠોડના ઘર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. જયપુર ગ્રેટર મ્યુનિસિપલ કોર્પોરેશને ખાટીપુરાના સુંદરવન કોલોનીમાં સુખદેવસિંહ ગોગામેડીના હત્યારા રોહિત રાઠોડે કરેલ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વહીવટીતંત્રએ લગભગ 100 ફૂટના બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે.
ડિમોલિશન દરમિયાન રોહિત રાઠોડના પરિવારજનોએ વહીવટીતંત્રનો વિરોધ નોંધાવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે ડિમોલિશન પહેલાં તેમને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. રોહિત રાઠોડની માતા આરોપ લગાવ્યો છે કે, અચાનક આ કાર્યવાહીથી ઘરના નાના બાળકો ખૂબ ડરી ગયા. બુલડોઝરની કાર્યવાહી દરમિયાન વિરોધ કરી રહેલી રોહિતની બહેનને જયપુર સિટી પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી.
જણાવી દઈએ કે, ગત 5 ડિસેમ્બરના રોજ જયપુરના શ્યામ નગર વિસ્તારમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ધોળા દિવસે ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી હતી. વાતચીતના બહાને તેમના ઘરે આવેલા બે હુમલાખોરોએ અંધાધૂધ ફાયરિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યારાઓની ઓળખ રોહિત સિંહ રાઠોડ અને નીતિન ફૌજી તરીકે થઈ હતી. આપને જણાવી દઈએ કે હત્યાને અંજામ આપનારા બે શૂટર્સ રોહિત અને નીતિન ફૌજીની દિલ્હી પોલીસની મદદથી 10 ડિસેમ્બરે ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી હતી.
સુખદેવસિંહ ગોગામેડીના હત્યારા એટલે કે ગોળીબાર કરનારાઓ હવે કાયદાની ચુંગાલમાં છે. તેમના મદદગારો પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસ શૂટર અને તેના મદદગારોની સતત પૂછપરછ કરી રહી છે. તેમને સતત પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીની પૂછપરછથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે હત્યની પાછળ ગોગામેડી અને ગેંગસ્ટર રોહિત ગોદારાની દુશ્મની જ સૌથી મોટું કારણ છે.
આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસની તપાસ જયપુર પોલીસ પાસેથી લઈને NIAને સોંપવામાં આવી છે. NIA સમક્ષ સૌથી મોટો પડકાર રોહિત ગોદારા સુધી પહોંચવાનો છે, જે હાલમાં ભારતથી દૂર પોર્ટુગલ કે અઝરબૈજાન જેવા દેશમાં છુપાયેલો છે.



