લોકસભા ચૂંટણીને લઈને શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરાશે, 22 માર્ચથી IPLની મેચની ચેન્નઈમાં શરૂઆત થશે ,
IPL રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, IPL-2024નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરાશે

IPL પહેલાં જ તમામ દેશોના ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેમના ખેલાડીઓ ફાઈનલ સુધી ટુર્નામેન્ટ રમવા માટે ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં બાકીની ટીમના ખેલાડીઓને પણ સાથે તૈયારી કરવા માટે ઓછો સમય મળશે. જે ટીમ પ્લેઓફમાં નથી પહોંચી શકી તે ટીમના ખેલાડીઓ ચોક્કસપણે 26 મે પહેલા નેશનલ ટીમમાં સામેલ થઈ શકે છે. આ તરફ હવે IPL પહેલા મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ પણ યોજાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 17 માર્ચે યોજાશે. IPL પણ 5 દિવસ પછી શરૂ થાય તેવી શક્યતાઓ છે. WPLની તમામ મેચ બેંગ્લુરુ અને દિલ્હીના 2 શહેરોમાં યોજાશે, પરંતુ IPLમાં તમામ 10 ટીમની મેચ 10 અલગ-અલગ સ્ટેડિયમમાં યોજાશે.
લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે, લોકસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેવી સ્થિતિમાં ટુર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નઈમાં શરૂ થવાની યોજના છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, ફાઈનલની તારીખ નક્કી કરવામાં આવી નથી. મહત્વનું છે કે, આ આખી ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ચેન્નઈ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને તેની ઇવેન્ટની શરૂઆત કરશે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, આ વખતે ફાઈનલ 26 મેના રોજ યોજાય તેવી શક્યતા છે, કારણ કે લીગના થોડા દિવસો બાદ જ 1 જૂનથી T20 વર્લ્ડ કપ શરૂ થશે.