જમ્મુ-કાશ્મીરમાં પુર્વ રાજયપાલ સત્યપાલ મલીક સામે આખરે સીબીઆઈની કાર્યવાહી શરુ થઈ
દિલ્હી ખાતેના નિવાસ સહિત 30 સ્થળો પર તપાસ એજન્સી ત્રાટકી: જમ્મુ-કાશ્મીરના હાઈડ્રોપાવર પ્રોજેકટમાં ગેરરીતિની તપાસમાં કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરમાં પુર્વ રાજયપાલ સત્યપાલ મલીક સામે આખરે સીબીઆઈની કાર્યવાહી શરુ થઈ છે. આજે સવારે નવી દિલ્હી અને પાટનગરના નજીકના વિસ્તારોમાં સીબીઆઈની ટીમે સત્યપાલ મલીકના નિવાસ ઉપરાંત 30 સ્થળોએ દરોડાનો દૌર શરુ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં હાઈડ્રો પાવર પ્રોજેકટમાં ગેરરીતિ મુદે આ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજયના વીમા ગોટાળામાં પણ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના રાજયપાલ પદેથી દુર થયા બાદ તેઓએ મોદી સરકાર પર નિશાન સાધવાનું શરૂ કર્યુ હતું અને પુલવામાં હુમલા સહિતના મુદે સરકારને ઘેરવા કોશીશ કરી હતી તો રાજયના વિમા વિવાદમાં પણ તેઓએ રૂા.300 કરોડની લાંચની ઓફર થઈ હોવાનો ધડાકો કરીને ભાજપ સાથે જોડાયેલા એક ટોચના નેતાને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.
2019માં કાશ્મીરના કીશ્તવાડ સ્થિત હાઈડ્રોપાવર પ્રોજેકટમાં રૂા.2200 કરોડના સીવીલ વર્કમાં ટેન્ડરના ગેરરીતિ થઈ હતી. આ સમય દરમિયાન સત્યપાલ મલીક જમ્મુ-કાશ્મીરના રાજયપાલ હતા અને મલીકનો આરોપ હતો કે સંબંધીત ફાઈલોને મંજુરી આપવા માટે તેમણે રૂા.300 કરોડની લાંચની ઓફર થઈ છે. આ ઉપરાંત તેણે અનેક મુદે વિવાદ છેડયા હતા. આજે સીબીઆઈના દરોડા મુદે સત્યપાલ મલીકે એકસ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું બિમાર છું અને હોસ્પિટલમાં ભરતી થયો છું તેમ છતા મારા આવાસ પર તાનાશાહ દ્વારા સરકારી એજન્સી મારફત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
મારા ડ્રાઈવર ઉપરાંત મારા કર્મચારીઓ પર પણ દરોડા પાડીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે પરંતુ હું ખેડુતનો દીકરો છું અને ગભરાઈશ નહી હું ખેડુતોની સાથે છું.



