લાડાણી, ઓરબીટ તથા ટવિનટાવર ગ્રુપ પર ઈન્કમટેકસ દરોડા , રૂા.200 કરોડથી વધુના શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા ,
કરોડો રૂપિયાના વ્યવહારો દર્શાવતા જંગી માત્રામાં દસ્તાવેજો મળ્યાનો નિર્દેશ: બેંક લોકરો સીલ: તમામ 30 સ્થળોએ સતત બીજા દિવસે દરોડા ચાલુ

રાજકોટમાં મોટાભાગના બિલ્ડર ગ્રુપો પર આવકવેરા વિભાગે હાથ ધરેલુ દરોડા ઓપરેશન આજે સતત બીજા દિવસે જારી રાખવામાં આવ્યું છે. પ્રાથમીક તપાસમાં જ 200 કરોડથી વધુના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો હાથ લાગ્યા છે. જંગી માત્રામાં દસ્તાવેજો મળ્યા હોવાથી ચકાસણી દરમ્યાન આંકડો ઘણો ઉંચો જવાની અને મોટી કરચોરી ખુલવાની આશંકા છે. રોકડ તથા હીરા-સોનાના દાગીના પણ મળ્યા છે પરંતુ કાયદેસરના છે કે કાળા નાણાં આધારીત? તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાના સંકેત છે.
રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા હાથ ધરાયેલા આ દરોડા ઓપરેશનની કાર્યવાહી તમામ 30 સ્થળોએ યથાવત જ હોવાનો નિર્દેશ કરતા સૂત્રોએ કહ્યું છે કે ખૂબ મોટા પ્રમાણમાં દસ્તાવેજો-સાહિત્ય હાથ લાગ્યા છે અને તેના નાણાકીય વ્યવહારો ચકાસવામાં આવી રહ્યા છે. પ્રાથમીક તપાસમાં 200 કરોડથી વધુના શંકાસ્પદ બીનહિસાબી નાણાકીય વ્યવહારો થયા છે. થોકબંધ સાહિત્ય મળ્યુ હોવાથી ચકાસણી ચાલુ છે અને તેના આધારે આંકડો ઉંચે જઈ શકે છે.
આવકવેરા વિભાગ દ્વારા સમગ્ર કાર્યવાહી તથા હાથ લાગેલા દલ્લા વિશે ચૂપકીદી જ રાખવામાં આવી રહી છે છતાં એક અધિકારીએ નામ નહીં દેવાની શરતે કહ્યુ કે રોકડ-ઝવેરાત મળ્યા છે પરંતુ તેની કાયદેસરતા ચકાસાયા બાદ જ વિગતો આપી શકાય. કાળા નાણાં કે બીનહિસાબી હોવાના સંજોગોમાં જપ્ત કરાશે હજુ ચકાસણી પ્રક્રિયા ચાલુ છે. જુદા-જુદા બિલ્ડર ગ્રુપના બેંક લોકરો પણ મળી આવ્યા છે તે સીલ કરી દેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં પ્રાથમીક રિપોર્ટ આવી શકે છે.
બિલ્ડર લોબી પર ઈન્કમટેકસના દરોડાથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ છે. આ બિલ્ડરો સાથે નાણાંકીય કે ધંધાકીય વ્યવહારો કરનારાની પણ ઉંઘ હરામ છે. કારણ કે આગળની કાર્યવાહીમાં તેમના સુધી તપાસનો રેલો આવી શકે છે. કોઈપણ રીતે કનેકશન ધરાવતા વર્ગો વ્યવહારો ચોખ્ખા કરવા તથા બેનંબરી સાહિત્ય સગેવગે કરવાની દોડધામ કરવા લાગ્યા હોવાની ચર્ચા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્કમટેકસ ગઈકાલે રાજકોટમાં ત્રાટકયુ હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચો 40 માળનો ટાવર ઉભો કરવાનો પ્રોજેકટ મુકનાર અને અનેક આલીશાન-ગગનચુંબી ઈમારતોના પ્રોજેકટ મુકનાર લાડાણી ગ્રુપના દિલીપ લાડાણી ઉપરાંત ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ તથા તેના પરિવારના સભ્યોના નિવાસ-ઓફિસો પર દરોડા પાડયા હતા. આ સિવાય લાડાણી ગ્રુપની જ ભાગીદારીવાળા કોટેચાચોક નજીકના ટવીન ટાવર પ્રોજેકટના ભાગીદારો મયુર રાદડીયા, દાનુભા જાડેજા, ગેલેકસી ગ્રુપના નિલેશ જાગાણી તથા રીયલ એસ્ટેટમાં મોટા વ્યવહારો ધરાવતા મહિપતસિંહ ચુડાસમા વગેરે પર દરોડા પાડવામાં આવ્યા હતા. આજે સતત બીજા દિવસે તમામ જુથના 30 સ્થળોએ તપાસનો દોર જારી રાખવામાં આવ્યો છે.
આવકવેરા વિભાગ દ્વારા ટોચના બિલ્ડરો પર ચાલી રહેલા દરોડા ઓપરેશનમાં અમુક ચોંકાવનારા બનાવો બન્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. બિલ્ડરના સગા દ્વારા 10મા માળેથી મોબાઇલ ફેંકી દેવામાં આવ્યો હતો તેવી જ રીતે એક લેપટોપ સગેવગે કરી દેવાયાની ચર્ચા છે.
ઇન્કમટેક્સના આધારભૂત સૂત્રોએ કહ્યું કે દરોડાની ઝપટે ચડેલા બિલ્ડરના સાળા તથા ભાણેજ પણ તેની સાથે જ વ્યવસાયમાં છે. મંગળવારે સવારે ઇન્કમટેક્સ અધિકારીઓનો કાફલો ત્રાટકતા જ ફફડી ઉઠેલા બિલ્ડરના ભાણેજે તેનો મોબાઇલ 10મા માળેથી ફેંકી દીધો હતો. જો કે અધિકારીઓની નજરે આ ઘટના ચડી ગઇ હતી અને તૂર્ત જ સ્ટાફને નીચે દોડાવીને મોબાઇલ કબ્જે કરવામાં આવ્યો હતો. મોબાઇલના ડેટા મેસેજના આધારે અનેક ખુલાસા થવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. કોલ રેકોર્ડ તથા ડેટાની પણ ચકાસણી થવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સિવાય બિલ્ડરનો સાળો પણ ઇન્કમટેક્સની તપાસના કેન્દ્રમાં આવ્યા છે. એમ કહેવાય છે કે તેના દ્વારા લેપટોપ સગેવગે કરી દેવામાં આવ્યું છે અને તેમાં મહત્વની વિગતો હોઇ શકે છે. આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરના સાળા-ભાણેજ મારફતના વ્યવહારો પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. તેઓની ઇન્કવાયરી પણ થયાની ચર્ચા છે.