ગુજરાત

રાજકોટ ઈન્કમટેકસનુ પ્રથમ હાઈટેક ઓપરેશન બિલ્ડરે કરચોરીના દસ્તાવેજો ઝુપડામાં સંતાડયા હતા ,

ઝુપડપટ્ટીના રૂમનુ ભાડુ રૂા.4000 દર ચાર મહિને કરચોરીના દસ્તાવેજો સંતાડવા જગ્યા બદલી નંખાતી: લાડાણીના વિશ્વાસુ અંકિત શીરા અને રાજ સિસોદીયા જ સ્થળ વિશે જાણતા હતા

રાજકોટના જાણીતા બિલ્ડરો પર આવકવેરા ખાતાએ હાથ ધરેલા મેગા દરોડા ઓપરેશનમાં કેટલીક નવી મહત્વની વિગતો પ્રકાશમાં આવી છે. જે અંતર્ગત આ પ્રથમ ‘હાઈટેક’ ઓપરેશન હતુ અને 500 કરોડના બિનહિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો ‘ઝુપડા’માંથી મળ્યા હતા. બિલ્ડર ગ્રુપે ટેકસ એજન્સીથી બચવા માટે ઝુપડા જેવી જગ્યાઓ ભાડે રાખી હતી અને ત્યાં કરોડોના વ્યવહારોના પુરાવા જેવા દસ્તાવેજો છુપાવાતા હતા. રાજકોટમાં આવકવેરા વિભાગે સૌરાષ્ટ્રના સૌપ્રથમ 40 માળના ગગનચુંબી ટાવરનો પ્રોજેકટ મુકનારા ટોચના બિલ્ડર લાડાણી ગ્રુપ ઉપરાંત ઓરબીટ, ગેલેકસી, ટવિનટાવર જેવા ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડરો પર ગત સપ્તાહમાં દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું. રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટીગેશન વિભાગનું ઈતિહાસનું પ્રથમ હાઈટેક ઓપરેશન હોય તેમ સીસીટીવી ફુટેજની મદદ મેળવીને અબજો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો પકડયા હતા.

પાંચ દિવસ ચાલેલા આ દરોડા ઓપરેશનમાં પોલીસની ખાસ મદદ લેવામાં આવી હતી. આ દરમ્યાન 450 સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા તેના આધારે ઝુપડા જેવા ગુપ્તસ્થળે સંતાડેલા કરોડોના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

આવકવેરા ખાતાના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી રોડ પર પીજીવીસીએલ કચેરી પાછળની ઝુપડપટીમાં પગેરૂ નિકળ્યુ હતું. બિલ્ડર દિલીપ લાડાણીનો હિસાબી વહીવટ સંભાળતા સગા અંકિત શીરા તથા તેના સહયોગી રાજ સિસોદીયા કાળા નાણાનો સમગ્ર વહીવટ સંભાળતા હતા અને તેઓએ પુરાવારૂપ ફાઈલો સંતાડવા માટે ઝુંપડપટ્ટીમાં રૂમ રાખ્યો હતો.

આવકવેરા ખાતાએ ગત 27 ફેબ્રુઆરીએ લાડાણી સહિતના ગ્રુપોનો 30 સ્થળોએ પાડેલા દરોડામાં પ્રાથમીક તબકકે કાંઈ મળ્યુ ન હતુ જયારે તંત્ર દ્વારા પોલીસની મદદ લઈને સીસીટીવી નેટવર્ક ફંફોળવાનું શરૂ કરવામાં આવ્યું હતું. લાડાણીની નજીકના લોકોની અવરજવરની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે એવુ માલુમ પડયુ કે લાડાણીના વિશ્ર્વાસુ નિયમિત રીતે ઝુપડપટ્ટીમાં જતો હતો અને 5-10 મીનીટમાં પાછો આવી જતો હતો.

ઝુપડપટીની આ શેરી અત્યંત સાંકડી હતી. આયકર અધિકારીઓ રૂબરૂ ગયા તો તેઓ પણ ગોટે ચડી ગયા હતા અને મૂળ સ્થળ મળ્યુ ન હતું ત્યારે એક સીસીટીવી કેમેરામાં તે એક રૂમમાં જતો હોવાનું જણાયુ હતું તેના આધારે રૂમની તલાશી લેતા લેપટોપ અને દસ્તાવેજો મળી આવ્યા હતા અને તેમાંથી 500 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા હતા. શીરાએ રૂા.4000ના ભાડામાં ઝુંપડપટ્ટીમાં આ રૂમ રાખ્યો હતો અને તે વિશે બિલ્ડર ગ્રુપના માત્ર બે લોકો (શીરા અને શીશોદીયા) જ તેનાથી વાકેફ હતા. કાળા નાણાંના દસ્તાવેજો સાચવવા દર ચાર મહિને સ્થળ બદલાવી નાખવામાં આવતુ હતું અને દરેક વખતે જુદી-જુદી ઝુપડપટ્ટી જ પસંદ કરવામાં આવતી હતી.

અન્ય એક સીસીટીવી ફુટેજમાં શીરા તથા તેની પત્ની બે સુટકેશ સાથે બહાર ગયાનુ અને 75 મીનીટ બાદ પરત આવ્યાનું પણ જણાવ્યુ હતું. આવકવેરા વિભાગે મોબાઈલ લોકેશન ટ્રેસ કરતા તેઓ સસરાના નિવાસે ગયાનુ માલુમ પડયુ હતું. શીરાના સસરાએ બન્ને બેગ તેના ભત્રીજાને આપી દીધી હતી. ભત્રીજાએ આ બેગ તેના પાડોશીના મકાનમાં રાખી હતી. આવકવેરા વિભાગે તમામને ટ્રેસ કરી બેગ જપ્ત કરી હતી અને તેમાંથી 1.25 કરોડ રોકડા મળી આવ્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button